ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના દરિયાકાંઠે કસ્ટમ વિભાગે ચુસ્ત પેટ્રોલિંગ દરમિયાન દારૂની મસમોટી હેરાફેરીનો ભાંડો ફોડ્યો છે. દરિયામાં ચાલતો આ ગેરકાયદેસર વેપાર કસ્ટમ અધિકારીઓની સતર્કતાથી પકડાઈ ગયો અને કરોડોની હેરાફેરીનો એક મોટી કડી બહાર આવી હતી.
માહિતી મુજબ, કસ્ટમ વિભાગની ટીમ દમણથી કોલક દરિયાકાંઠા સુધી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દરિયામાં પસાર થતી એક બોટ પર શંકા જતા અધિકારીઓએ તેને તરત જ ઇન્ટરસેપ્ટ કરી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું. બોટમાં બોક્સમાં પેક કરેલી 18,672 દારૂની બોટલો મળી આવી હતી.
આ જથ્થાની અંદાજીત કિંમત આશરે ₹55 લાખ ગણવામાં આવી રહી છે. બોટમાં હાજર 8 શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને તેમની પૂછપરછમાં બહાર આવ્યું કે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે આ જથ્થો લાવવામાં આવી રહ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ કસ્ટમ કમિશનર અને એડિશનલ કમિશનરની માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા વિશેષ અભિયાનનો ભાગ છે. ખાસ કરીને દમણ-ગુજરાત રૂટ પર ચાલતી ગેરકાયદેસર હેરાફેરીને રોકવા માટે 16 માર્ચથી શરૂ કરાયેલા આ ઓપરેશનમાં કસ્ટમની સ્પીડ મોટર બોટ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જપ્ત કરાયેલ દારૂ સાથે તમામ આરોપીઓને કોલક દરિયાકાંઠે લાવવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી માટે કેસ પારડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
દરિયાકાંઠા મારફતે થતી દારૂની હેરાફેરી સામે કસ્ટમ વિભાગ હવે વધુ કડક બની રહ્યો છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સતત સજાગ છે.
