ઉમરગામમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો ભાંડો ફૂટ્યો: ઉમરગામના દામા રેસિડેન્સી, રામેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કોઇપણ પ્રકારના લાયસન્સ વગર જોખમી રીતે ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલુ રાખતા ઉમરગામ પોલીસે ગેસ રીફિલિંગના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. તા. 21 એપ્રિલ 2026ના રોજ ઉમરગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
મળેલી માહિતી મુજબ ઉમરગામના દામા રેસિડેન્સી, રામેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કોઇપણ પ્રકારના લાયસન્સ વગર જોખમી રીતે ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું. આ બાતમી આધારે પોલીસ દ્વારા રેડ કરતાં સ્થળ પરથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા ઇસમ પાસેથી ત્રણ ગેસ સિલિન્ડર અને રીફિલિંગ માટે વપરાતી પાઇપ સહિત કુલ રૂ. 6,100/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 288 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 અને 7 હેઠળ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીની ઓળખ કુલદીપ શ્રીકાંત ઉપાધ્યાય (ઉંમર 48, વ્યવસાય – લેબર કોન્ટ્રાક્ટર) તરીકે થઈ છે, જે હાલ ઉમરગામ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનનો વતની છે.
આ કામગીરી ઉમરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર તેમજ તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!