વલસાડ સ્પોર્ટ્સ કોમ્લેક્સ ખાતે વલસાડ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, ૧૧૧ અરજીનો હકારાત્મક નિકાલ: એક જ સ્થળે જન્મ-મરણના દાખલા, આધાર કાર્ડ અને રાશન કાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રજાના લાગણી, માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ રાજ્ય સરકાર દ્વારા સરકાર તમારા દ્વારે વિચાર સાથે સેવાસેતુ કાર્યક્રમનું ગામે ગામ અને શહેરોમાં આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે વલસાડ નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વલસાડ નગરપાલિકાના ચેરમેન આશિષ દેસાઈની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૧ જેટલી અરજીનો હકારાત્મક નિકાલ કરાતા અરજદારોએ સરકારનો આભાર માન્યો હતો.
સેવાસેતુમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ જન્મ-મરણના પ્રમાણપત્ર માટે ૨૨ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી) સંબંધિત ૧૮ અરજીઓ અને પી. એમ. જે. વાય. કાર્ડ માટેની ૧૪ અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હતો. આ ઉપરાંત, વ્યવસાય વેરાની ૯ અરજીઓ, આવકના દાખલાની ૮ અરજીઓ તથા પી. એમ. સૂર્ય ઘર (મફત વીજળી યોજના) ની ૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

નાગરિકોની અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પી.એમ. સ્વનિધિ યોજના, બસ કન્સેશન પાસ (સામાન્ય લોકો માટે) અને ૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે આધાર નોંધણીની ૫-૫ અરજીઓ સ્વીકારી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાશન કાર્ડમાં નામ કમી કરવું અને વિધવા સહાય જેવી યોજનાઓમાં પ્રત્યેકમાં ૩-૩ અરજીઓનો નિકાલ કરાયો હતો. વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના તેમજ રાશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે ૨-૨ અરજીઓ અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે ૧ અરજીનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળતા તેમણે સરકારશ્રીનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં વલસાડ સીટી મામલતદાર તૃપ્તિબેન પટેલ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!