પીએમ નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનની ૨૫ વર્ષની સેવા-સમર્પણની ઉજવણી, વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં “સેવા સંકલ્પ અભિયાન” તા. ૧૭ સપ્ટેમ્બર થી શરૂ થનાર છે. જે અંતર્ગત વલસાડ કલેકટર કચેરી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકારોને માહિતી આપતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બની રાજ્યનું સુકાન સંભાળ્યું હતું. તેમણે પોતાની દીર્ઘદ્રષ્ટી અને વિઝનથી ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું અને ગુજરાત સમગ્ર દેશમાં વિકાસ મોડલ તરીકે ઉભરી આવ્યું હતું. ત્યારબાદ દેશવાસીએ વર્ષ ૨૦૧૪માં તેમને દેશના વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા હતા. તા. ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ તેમની સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાનનો તેમના જન્મ દિને તા. ૧૭ સપ્ટેમ્બર થી વલસાડ જિલ્લામાં પ્રારંભ થશે જે એક મહિના સુધી ચાલશે અને તા. ૧૭ ઓક્ટોબરના દિવસે સમાપન થશે. આ એક માસ દરમિયાન જિલ્લામાં વિવિધ મંદિરોમાં આર્શીવાદના દિવા, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, શાળા કોલેજોમાં ચિત્રકામ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન થશે. જેમાં તમામ નાગરિકો સહભાગી બનશે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૩ વર્ષ સુધી ગુજરાતમાં અને છેલ્લા ૧૨ વર્ષથી તેઓ દેશ સેવા કરી રહ્યા છે ત્યારે તેમના આ કાર્યકાળ દરમિયાન કોઈ ઘર બાકી રહ્યું ન હશે કે જેમણે સરકારની યોજનાનો લાભ લીધો ન હોય. જેથી આખા માસ દરમિયાન ચાલનારા આ અભિયાનમાં મીડિયા જગતને પણ પૂરક બની સહયોગ આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જિલ્લાના ધારાસભ્યો સર્વ ભરતભાઈ પટેલ- વલસાડ, રમણલાલ પાટકર- ઉમરગામ, અરવિંદભાઈ પટેલ- ધરમપુર, જીતુભાઈ ચૌધરી- કપરાડા, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ અને જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!