ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ શહેરમાં આધ્યાત્મિકતા અને સનાતન સંસ્કૃતિને નવી ઊંચાઈ આપનાર ભવ્ય ઓધવ ભવનનું લોકાર્પણ તા. ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાનાર છે. ભગવાન શ્રી વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના પાવન અવસરે યોજાતા આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપશે. સમગ્ર મહોત્સવ દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમોની સમૃદ્ધ શ્રેણી આયોજિત કરવામાં આવી છે, જેના કારણે વલસાડમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાવાનો છે.
તા. ૨૨ માર્ચના રોજ સવારે ૯:૦૦ કલાકે ભગવાન શ્રી વાલરામજીના પાદુકા પૂજન અને મહાયજ્ઞથી કાર્યક્રમનો શુભારંભ થશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે ઓધવ ભવનના લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૯ કલાકે પ.પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજ તેમજ મુખ્યમંત્રીના કરકમલો દ્વારા ઓધવ ભવનનું ભવ્ય લોકાર્પણ થશે. બપોરે ૧:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન રહેશે. બપોરે ૩:૦૦ કલાકે કથાનો પ્રારંભ થશે, જ્યારે સાંજે ૫:૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ અને શતાબ્દી મહોત્સવ ઉજવાશે. સાંજે ૬:૦૦ કલાકે સંધ્યાપાઠ બાદ ૬:૩૦ કલાકે સંતશ્રી હરિદાસજી મહારાજના આશિર્વચન અને ભજન સત્સંગ યોજાશે. સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ રહેશે અને રાત્રે ૯:૩૦ કલાકે ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે, જેમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીતુ ભાનુશાલી સહિતના કલાકારો પોતાની રજૂઆત કરશે.
તા. ૨૩ માર્ચના રોજ બપોરે ૩:૦૦ કલાકે કથાનો પ્રારંભ થશે, સાંજે ૬:૦૦ કલાકે સંધ્યાપાઠ યોજાશે અને ૬:૩૦ કલાકે આશિર્વચન તથા ભજન સત્સંગ યોજાશે. સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ બાદ રાત્રે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન જીતુ ભાનુશાલી અને કિશોર ભાનુશાલી દ્વારા ભજન અને ઓધવ મહારાસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૪ માર્ચના રોજ પણ બપોરે ૩:૦૦ કલાકે કથા શરૂ થશે. સાંજે ૬:૦૦ કલાકે સંધ્યાપાઠ અને ૬:૩૦ કલાકે સંતશ્રીના આશિર્વચન રહેશે. સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ બાદ રાત્રે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક સુધી રામ મંદિર ફેમ સાધો બેન્ડના સથવારે ભજન સંધ્યા યોજાશે, જે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ આપશે.
તા. ૨૫ માર્ચના રોજ સવારે ૯:૦૦ કલાકે કથાનો પ્રારંભ થશે અને બપોરે ૧૧:૩૦ કલાકે કથા વિરામ બાદ બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવશે.
શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ, વલસાડ તથા સમસ્ત દક્ષિણ ગુજરાત ભાનુશાલી મંડળો, હરી ઓમ પરિવાર અને અખિલ ભારતીય ઓધવપ્રેમીઓના સંયુક્ત આયોજન હેઠળ યોજાતો આ મહોત્સવ માત્ર એક લોકાર્પણ સમારંભ નહીં પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને સમાજને એકસાથે જોડતો ભવ્ય ઉત્સવ બની રહેશે. મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે.
