ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરી ખાતે મળી હતી. જેમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૬- ૨૭ હેઠળ વલસાડ જિલ્લામાં ૧૮૮૮ કામો માટે કુલ રૂ. ૧૦૬.૨૮ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં આદિજાતિ વિસ્તાર માટે કુલ રૂ. ૧૦૪.૮૬ કરોડ તેમજ છુટા છવાટા વિસ્તાર માટે કુલ રૂ. ૧.૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર નીતિન સાંગવાન પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન ૯૬ ટકા વિવેકાધિન સંભવિત જોગવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, પારડી, ઉમરગામ, અટગામ પોકેટ અને રોણવેલ પોકેટમાં વસતા આદિજાતિ સમાજના લોકોની સુખ સુવિધા માટે આખા વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન સહિતના વિવિધ વિભાગોના કુલ ૧૮૮૮ કામો માટે કુલ રૂ, ૧૦૪.૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી . આ જોગવાઈ અંતર્ગત પાક કૃષિ, હોર્ટીકલ્ચર, પશુપાલન, ડેરી વિકાસ, વન નિર્માણ, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ, વિસ્તાર વિકાસમાં પ્રવાસન કેન્દ્રો , હાટ બજાર, આરોગ્ય કેન્દ્રો તથા અન્ય જાહેર સ્થળે બેઠક વ્યવસ્થાના કામો, વીજળીકરણ, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગ, તબીબી અને જાહેર આરોગ્ય, અનુસૂચિત જન જાતિ અને પછાત વર્ગનું કલ્યાણ સહિતના કાર્યો અંગે આયોજન કરાયુ હતું.
આ સિવાય ન્યુ ગુજરાત પેટર્ન છુટા છવાયા વિસ્તાર ૪ ટકા વિવેકાધિન હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માં ૨૧ કામો માટે રૂ. ૧૪૨.૩૪ કરોડની સંભવિત જોગવાઈ કરવામાં આવી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪થી વર્ષ ૨૦૨૫- ૨૬ના વર્ષ દરમિયાન ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ મંજૂર થયેલા બાકી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કલેકટરે પાછલા વર્ષોમાં જે પણ કામો બાકી છે તે તમામ કામોની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવવા જણાવ્યું હતું. મંત્રી નરેશભાઈ પટેલે આ તબક્કે જણાવ્યું હતું, કે, આદિજાતિ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવાતા એક એક રૂપિયાનો સદઉપયોગ થવો જોઈએ. જે બાબતે ધ્યાન રાખી જે પણ વિકાસ કાર્યો શરૂ કરો તે સમયસર પુરૂ કરી દેવું જોઈએ, તો જ એડવાન્સ કામો પણ થઈ શકશે. કામોની ફાળવણી વખતે ડુપ્લીકેશન પણ થવું ન જોઈએ.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે પાક કૃષિના આયોજન અંગે ચાલી રહેલી ચર્ચામાં જણાવ્યું કે, ખેડૂતોને ખેતીમાં સમય પર કામ આવે તે મુજબ સાધન સહાય આપવી જરૂરી છે. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ એવુ ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે, ઊર્જા વિભાગમાં જે રીતે સાત બાર માં ખેડૂતનું નામ હોય એટલે વીજ જોડાણ આપી દેવાનું હોય છે તેમ પાક કૃષિમાં પણ ખેડૂતનું નામ સાત-બારમાં હોય તો લાભાર્થીને યોજનાકીય લાભ મળવો જોઈએ.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્યો સર્વ ભરતભાઈ પટેલ- વલસાડ, રમણલાલ પાટકર- ઉમરગામ, અરવિંદભાઈ પટેલ- ધરમપુર, જીતુભાઈ ચૌધરી- કપરાડા, તમામ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા સહિત સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
