સહી પોષણ દેશ રોશન:પારડીના પરીયા ખાતે આઈ.સી.ડી.એસ. દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬નું આયોજન

ગુજરાત એલર્ટ | વલસાડ
“સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને સાકાર કરવાના ઉદ્દેશ્યથી તા. ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ને ગુરુવારના રોજ પારડી તાલુકાના પરીયા ગ્રામ પંચાયત હોલ ખાતે આઈ.સી.ડી.એસ. પારડી ઘટક ૧ અને ૨ દ્વારા ઘટક કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ આંગણવાડીના લાભાર્થીઓ તેમજ સમાજના છેવાડાના લોકોમાં જુવાર, નાગલી, કોદરી, સામો અને કાંગ જેવા શ્રી અન્ન (મિલેટ્સ) તેમજ આંગણવાડી દ્વારા અપાતા ટેક હોમ રાશન (THR) જેવા કે બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશે જાગૃતિ કેળવવાનો અને તેના વપરાશને પ્રોત્સાહન આપવાનો હતો. વર્ષ ૨૦૨૪થી શરૂ થયેલ આ રાજ્યવ્યાપી પૌષ્ટિક વાનગી સ્પર્ધાના ભાગરૂપે પારડી ખાતે આ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં એન. કે. દેસાઈ સાયન્સ કોલેજના આચાર્યશ્રી ડો. તપનસિંહ પરમાર, પારડી બાળવિકાસ યોજના અધિકારી શ્રીમતી રીટાબેન પટેલ અને શ્રીમતી પ્રવિણાબેન ચૌધરી, પારડી CMTC ના શ્રીમતી મનિષાબેન, પરીયા ગામના આગેવાન શ્રી અમિતભાઈ તેમજ આઈ.સી.ડી.એસ. પારડીનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પારડી ઘટક-૧ અને ૨ માં સમાવિષ્ટ કુલ ૯ સેજાના વિજેતા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. સ્પર્ધકો દ્વારા સરગવો, વિવિધ ભાજી, કઠોળ અને મિલેટ્સનો ઉપયોગ કરીને બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિમાંથી બનાવેલી વિવિધ વાનગીઓએ ઉપસ્થિત તમામનું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ડો. તપનસિંહ પરમારે તંદુરસ્ત સમાજના નિર્માણમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવતાં રોજિંદા જીવનમાં ગોળ, ચણા, સીંગ, ખજૂર, કઠોળ અને સ્થાનિક ફળો-શાકભાજીના ઉપયોગ થકી પોષણ સ્તર વધારવા પર ભાર મૂક્યો હતો.

બાળવિકાસ યોજના અધિકારી શ્રીમતી રીટાબેન પટેલે લોકોને પારંપરિક અને સ્થાનિક ખાદ્ય પદાર્થો તરફ વળવા તેમજ આવનારી પેઢીને સુપોષિત બનાવવા આંગણવાડી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રીમતી મનીષાબેન અને આઈ.સી.ડી.એસ. સ્ટાફે THR અને મિલેટ્સના નિયમિત ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી લાભાર્થીઓને વિવિધ વાનગીઓ બનાવતા શીખવવા અનુરોધ કર્યો હતો. સ્પર્ધામાં રજૂ કરાયેલી વાનગીઓનું મૂલ્યાંકન પારડી CMTC ના શ્રીમતી મનીષાબેન તેમજ આઈ.સી.ડી.એસ.ના બ્લોક ન્યુટ્રીશન મેનેજર અને મુખ્ય સેવિકા દ્વારા કરવામાં આવ્યું હતું.
મૂલ્યાંકનના અંતે બાલશક્તિમાંથી બનાવેલ કેક, નાગલી (રાગી) બનાના પેનકેક, THR માંથી બનાવેલ પનેલા અને મિલેટ્સના હાંડવા જેવી વાનગીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સુખડી, પૂર્ણાશક્તિમાંથી બનાવેલ પાતરા, દહીંવડા, વેજીટેબલ ટિક્કી, ઈડલી અને શક્કરિયાની ટિક્કી જેવી વાનગીઓએ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આંગણવાડી કાર્યકરો તેમજ સ્ટાફની સક્રિય સહભાગીદારીથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!