ચાઈલ્ડ હેલ્પલાઇનની સમજાવટથી બાળક ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાવા માટે પ્રેરિત: મોબાઇલ અને ઓનલાઇન ગેમની આદત છોડીને બાળકે ફરી શાળાએ જવાનો કર્યો સંકલ્પ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તા. 26/06/2026ના રોજ ચાઈલ્ડ હેલ્પલાઇનને કોલ સેન્ટર મારફતે માહિતી પ્રાપ્ત થઈ હતી કે 12 વર્ષીય બાળક છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે શાળાએ જતું નથી. માહિતી મળતા જ ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમે પરિવારનો સંપર્ક કરીને બાળક અને તેના માતા-પિતા સાથે વિગતવાર મુલાકાત અને કાઉન્સેલિંગ કર્યું.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે બાળક ધોરણ-7માં અભ્યાસ કરે છે, પરંતુ ગૃહકાર્ય કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેમજ ગુજરાતી વિષયમાં પૂરતી સમજ ન હોવાના કારણે તેને શાળાએ જવાનું પસંદ નહોતું. વધુમાં, મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ અને ઓનલાઇન ગેમ રમવાની આદતને કારણે પણ તેના અભ્યાસ અને દૈનિક જીવન પર નકારાત્મક અસર પડી રહી હતી.
ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળકને શિક્ષણના મહત્વ અંગે સમજ આપવામાં આવી અને જીવનમાં શિક્ષણનું મૂલ્ય સમજાવાયું.
સાથે જ, માતા-પિતાને બાળક પ્રત્યે પ્રેમ, હૂંફ અને ધીરજપૂર્વક વર્તીને તેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની સલાહ આપવામાં આવી. બાળકને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પરિવારના સહયોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું.
સમજાવટ અને અસરકારક કાઉન્સેલિંગ બાદ બાળક નિયમિત રીતે શાળાએ જવા અને ગૃહકાર્ય પૂર્ણ કરવા માટે તૈયાર થયું. ઉપરાંત, મોબાઇલ ફોનનો ઉપયોગ મર્યાદિત કરવા અને ઓનલાઇન ગેમ રમવાની આદતને ધીમે-ધીમે છોડવાનો સંકલ્પ પણ બાળક દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.
ચાઈલ્ડ હેલ્પલાઇનની સમયસરની કામગીરી અને માર્ગદર્શનના પરિણામે બાળક ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાવા માટે પ્રેરિત થયું, જે સમાજ માટે એક સકારાત્મક અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!