WWF વલસાડ અને વન વિભાગ વલસાડ (દક્ષિણ) દ્વારા કપરાડામાં આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતી દિવસ ની ઉજવણી

ગુજરાત એલર્ટ | વલસાડ
તારીખ 5 સપ્ટેમ્બર નાં રોજ WWF-વલસાડ ડિવિઝન અને વન વિભાગ વલસાડ (દક્ષિણ) નાં સંયુક્ત પ્રયાસ થી આજ રોજ કપરાડામાં રેન્જ આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાનાં પહેલાં શનિવારે આંતરરાષ્ટ્રીય ગીધ જાગરુકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ, વલસાડ જિલ્લા માં આવેલ કપરાડા તાલુકો એક માત્ર એવો વિસ્તાર છે જ્યાં દુર્લભ એવાં ગીધો મોટી સંખ્યામાં જોવા મળે છે.

ગીધ એ કુદરતનું સફાઈ કામદાર ગણાતું એક વિશાળ માંસાહારી પક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક મરેલા પશુ-પ્રાણીઓના મૃતદેહો છે. તે ક્યારેય જીવતા પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી. આકાશમાં ઊંચે ઉડીને સડેલા મૃતદેહો સાફ કરવાનું કામ કરે છે, જેનાથી રોગચાળો અટકે છે. આથી તેને પર્યાવરણનો સફાઈ કામદાર કહે છે. આખી દુનિયામાં ગીધની લગભગ 22 થી 23 પ્રજાતિઓ જોવા મળે છે.

જેમાંથી ભારતમાં નવ પ્રકારનાં ગીધો જોવા મળે છે અને આપણાં કપરાડા વિસ્તાર માં મુખ્યત્વે બે પ્રકાર નાં ગીધો જોવા મળે છે (Indian Long Billed Vultures) એટલે કે ભારતીય ગીધ અથવા ગિરનારી ગીધ અને White Rumped Vulture એટલેકે શ્વેત પીઠ ગીધ..આ બંને પ્રકાર નાં ગીધો IUCN નાં લીસ્ટ મુજબ Critical Endangered species એટલે કે ગંભીર રીતે જોખમમાં મૂકાયેલ પ્રજાતિમાં આવે છે.

કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ હુડા ચેકપોસ્ટ ખાતે વન વિભાગના સ્ટાફ અને સ્થાનિક ગામજનોને ગીધોનાં અસ્તિત્વ અને તેનું મહત્વ સમજાવી આંતરરાષ્ટ્રીય ગીત જાગૃતિ દિવસ ની ઉજવણીનો હેતુ વિશે માહિતી આપી હતી.

જે પછી વન વિભાગ ની ટીમ તેમજ WWF નાં વોલન્ટીયર્સ ટીમ અને સ્થાનિક ગ્રામજનો સાથે મળી વલચર ફીડિંગ સાઇટ ની મુલાકાત લીધી હતી. જ્યાં WWF નાં મૌતિક દવે એ પર્યાવરણની કુદરતી રીતે જાળવણી કરતા ગીધોનું મહત્વ સમજાવતા ગીધોની પ્રજાતિઓ અને એના સંવર્ધન માટે ની વિગતવાર માહિતી આપી હતી અને તેને બચાવવા આપણે શું કરી શકીએ તે વિશે વિગતવાર સમજાવ્યું હતું તેમજ પોસ્ટર બતાવી ગીતની કઈ પ્રજાતિઓ અહીં કપરાડા વિસ્તારમાં જોવા મળે છે તે ચિત્રો દ્વારા ઓળખ આપી પોસ્ટર્સ ની વહેચણી પણ કરી હતી અને ફિલ્ડ વિઝિટ દ્વારા ગીધ નિદર્શન પણ કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) શ્રીમતી કલ્યાણીબેન ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની બે રેન્જનાં સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ સાથે સ્થાનિક ગામના લોકો સરપંચ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. WWF-India નાં વલસાડ ઓફિસથી સ્ટેટ હેડ મૌતિક દવે તથા સ્વયંસેવકોની ટીમ સાથે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!