ગુજરાત એલર્ટ | વલસાડ
સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રચાયેલી જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા ઉમરગામ તાલુકામાં તમાકુના બિનઅધિકૃત વેચાણ અને આનુસંગિક નિયમોના પાલન માટે સઘન અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તેમજ ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગની સ્ટીયરીંગ કમિટીએ માર્ગ પરના નાના-મોટા પાનના ગલ્લા અને પાર્લર સહિત કુલ ૨૮ દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી નિયમોનો ભંગ કરનાર દુકાનદારો પાસેથી કુલ રૂપિયા ૫૬૦૦નો દંડ વસૂલ કર્યો છે.

આ કામગીરી દરમિયાન દુકાનદારો અને આસપાસના ગલ્લાવાળાઓને તમાકુ નિયંત્રણ કાયદાની વિવિધ કલમો અંગે કડક સૂચનાઓ અને ચેતવણી આપવામાં આવી હતી. અધિકારીઓએ કલમ-૪ મુજબ જાહેરમાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ, કલમ-૬(અ) હેઠળ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ પર પ્રતિબંધ અને કલમ-૬(બ) અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર રહેલા પ્રતિબંધ અંગે કડક અમલવારી કરવા જણાવ્યું હતું. વધુમાં, “તમાકુથી કેન્સર થાય છે” તેવી સ્પષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ કે અન્ય તમાકુની બનાવટોનું છૂટક વેચાણ ન કરવા બાબતે પણ તમામને તાકીદ કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સઘન કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલના કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ, સોશિયલ વર્કર એ.એ. પટેલ, એમ.પી.એચ.એસ. યોગેશ પટેલ, પોલીસ વિભાગમાંથી એ.એસ.આઈ. શ્રી કિરણ સી. ધોડિયા અને ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગમાંથી શ્રી જે.કે. ચૌધરી સંયુક્ત રીતે ઉપસ્થિત રહી કામગીરી પૂર્ણ કરી હતી. આ માહિતી નોડેલ ઓફિસર (ટોબેકો કંટ્રોલ) -વ-મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા અખબારી યાદીમાં આપવામાં આવી છે.
