ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી (IP) સેલને મંજૂરી આપવામાં આવી છે, જેને દક્ષિણ ગુજરાતમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ પુજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના સર્વાંગી શિક્ષણના વિઝનથી પ્રેરિત છે. શિક્ષણ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં મૂલ્યનિષ્ઠા, નવીન વિચારસરણી, સંશોધનક્ષમતા અને રાષ્ટ્રીય વિકાસ માટેની જવાબદારી વિકસે, તે હેતુથી અનેક પહેલો હાથ ધરવામાં આવે છે. પ્રસ્તુત IP સેલ પણ આ જ ઉદેશ્યને આગળ વધારતું એક પગલું છે.
GUJCOST એ વૈજ્ઞાનિક સંશોધન, નવી ટેક્નોલોજી અને ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) વિશે લોકોમાં જાણકારી ફેલાવવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં શરૂ થનાર આ IP સેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને તેમની નવી શોધ કે વિચારોને કાનૂની રીતે સુરક્ષિત રાખવા માટે પેટન્ટ, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ જેવી બાબતોમાં માર્ગદર્શન અને મદદ આપશે.
વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ડે ૨૦૨૬ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં “IP and Sports: Ready, Set, Innovate!” થીમ હેઠળ “Protecting the Game: IP Fundamentals and Their Role in Sports Industry” વિષય પર વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે કિર્તિકુમાર એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રમતગમત ક્ષેત્રમાં Intellectual Property (IP)નું વધતું જતું મહત્વ, નવા વિચારો અને શોધને કાનૂની રીતે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને તેના શું ફાયદા છે તે સરળ રીતે સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે ૧૮૦ જેટલા પ્રતિભાગીઓ જોડાયા હતા. જેમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ તેમજ દાદરા અને નગર હવેલીમાંથી વિદ્યાર્થીઓ, સંશોધન વિદ્વાનો, ફેકલ્ટી સભ્યો અને ઉદ્યોગક્ષેત્રના વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો.વેબિનારમાં ભાગ લેનારાઓને ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી તેમ જ તેની સુરક્ષા અંગે જાગૃતિ વધી હતી.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સતત અમલમાં મુકાતી આવી પહેલો દક્ષિણ ગુજરાતના યુવાઓ માટે નવી તકોના દ્વાર ખોલી રહી છે અને તે ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતને શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાનું સશક્ત કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
