યુએન વર્લ્ડ બાઇસિકલ ડેના સ્થાપક ડૉ. લેઝેક સિબિલ્સ્કી દ્વારા વલસાડની ડૉ. ભૈરવી જોષીને ‘સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’ એનાયત કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની લોટસ હોસ્પિટલના ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને ભારતમાં સાયકલિંગ મૂવમેન્ટને મજબૂત બનાવવા બદલ પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બાઇસિકલ ડેના સ્થાપક ડૉ. લેઝેક સિબિલ્સ્કી દ્વારા આપવામાં આવતું આ આંતરરાષ્ટ્રીય સન્માન 30 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘બીઆરઆઇસીએસ સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડૉ. ભૈરવી જોષીને એનાયત કરવામાં આવ્યું હતું.
ભારતને સાયકલિંગ નેશન બનાવવાના વિઝન સાથે ડૉ. ભૈરવી જોષીએ 2021માં બીવાયસીએસ ગ્લોબલ, એમ્સ્ટર્ડમના સહયોગથી બીવાયસીએસ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં ડૉ. ભૈરવી જોષી આ સંસ્થાના ડિરેક્ટર અને સીઇઓ તરીકે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ બાઇસિકલ મેયર નેટવર્ક 56થી વધુ શહેરો સુધી વિસ્તર્યું છે. ડૉ. ભૈરવી જોષીનું કાર્ય હવે એક્ટિવ મોબિલિટી, પબ્લિક હેલ્થ, બાળકોની સેફ્ટી, વુમન સાયકલિંગ, રોડ સેફ્ટી અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો સુધી વિસ્તર્યું છે. ડૉ. ભૈરવી જોષી ફિટ ઇન્ડિયા મિશનના એડવાઇઝર તેમજ સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ડેવલપમેન્ટ કમિટીના સભ્ય પણ છે. તેઓ રાષ્ટ્રીય સ્તરના ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાન સાથે પણ જોડાયેલા છે. ડૉ. ભૈરવી જોષીની આગેવાની હેઠળની સાઇકલ2સ્કૂલ પહેલ બીવાયસીએસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવી હતી. આ પહેલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સ્માર્ટ સિટી મિશન હેઠળ હાથ ધરવામાં આવી હતી. બાળકો અને શહેરોના આયોજનમાં સાયકલિંગની ભૂમિકા અંગે પણ ડૉ. ભૈરવી જોષીએ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. 2025ના વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે ડૉ. ભૈરવી જોષી દ્વારા લખાયેલાં ‘સાયકલિંગ, ચિલ્ડ્રન એન્ડ સિટીઝ’ અને ‘રોડ ટુ સાઇકલ2સ્કૂલ’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’ ડૉ. ભૈરવી જોષીના સાયકલિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યોગદાનને મળેલી મહત્વપૂર્ણ વૈશ્વિક માન્યતા છે. આ પ્રસંગે ડૉ. ભૈરવી જોષીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત થાણેના બાઇસિકલ મેયર ચિરાગ શાહને પણ ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!