ગુજરાત એલર્ટ | વલસાડ
વાંચન સંસ્કૃતિના વિકાસ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસેતર વાંચન પ્રત્યે રુચિ કેળવવાના ઉદ્દેશ સાથે પુસ્તક પરબ,વલસાડ દ્વારા વાપીની બે પ્રાથમિક શાળામાં કુલ ૩૫૦ પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત કન્યા વિદ્યામંદિર, વાપીને ૨૦૦ તથા અજીતનગર પ્રાથમિક શાળા, વાપીને ૧૫૦ પુસ્તકો અર્પણ કરી નાનકડી લાઇબ્રેરી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પુસ્તક પરબ, વલસાડના ચેરપર્સન ડૉ. આશા ખુશાલભાઈ ગોહિલ, શ્રી હાર્દિક જી. પટેલ, શ્રી જયંતીભાઈ મિસ્ત્રી તથા સમગ્ર ટીમના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને શ્રી રિતેશ મોદી (રામવાડી), પ્રતીક પટેલ (પારનેરા, પારડી), શ્રીમતી કંકુબેન લેઉવા (શિકાગો, અમેરિકા) હસ્તક, શ્રીમતી નીલીમા જે. ભાવસાર (વલસાડ) તરફથી આર્થિક સહકાર પ્રાપ્ત થયો હતો.
કન્યા વિદ્યામંદિર, વાપીમાં યોજાયેલા કાર્યક્રમમાં આચાર્યશ્રી મનીષાબેન પટેલ, શોભનાબેન પટેલ, ડૉ. મેઘના પટેલ તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મનીષાબેન પટેલે પોતાના વક્તવ્યમાં પુસ્તકોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પુસ્તક પરબ, વલસાડની પ્રવૃત્તિઓને બિરદાવી અને વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસાવવા આવા પ્રયાસોની આવશ્યકતા વ્યક્ત કરી હતી.
અજીતનગર પ્રાથમિક શાળા, વાપીમાં આચાર્યશ્રી કિશનભાઈ બાબરભાઈ પટેલ, શિક્ષકશ્રી શિવકુમાર સિંઘ તથા સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. શ્રી શિવકુમાર સિંઘ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસેતર પુસ્તકોના જીવનઘડતરમાં રહેલા મહત્ત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના જીવનપ્રસંગો, પ્રેરણાદાયી વિચારો અને વાંચનના લાભો અંગે શ્રી હાર્દિક પટેલ, ડૉ. આશા ગોહિલ, શ્રીમતી નીલીમા ભાવસાર, શ્રી જયંતીભાઈ મિસ્ત્રીએ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરી હતી.
