ગુજરાત એલર્ટ | ખેરગામ
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ખેરગામ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ વિવિધ શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધાર કાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.


કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ કામ અર્થે આવેલા નાગરિકો સાથે રૂબરૂ સંવાદ સાધી કચેરીની કામગીરી પ્રત્યેનો પ્રતિભાવ મેળવ્યો હતો તેમજ સેવાઓ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં આધાર કાર્ડ, વિધવા સહાય પેન્શન સહિતની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અંગેની માહિતી ગ્રામજનો અને નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અસરકારક આઈ.ઈ.સી. એક્ટિવિટી હાથ ધરવા સૂચન કર્યું હતું. સાથે જ નાગરિકકેન્દ્રિત સેવાઓને વધુ સુલભ અને પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે ખેરગામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
