ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામ સ્થિત મહિલા સંચાલિત દૂધ ડેરી (કેસલ ફળિયું) ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી યોગેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમનો મુખ્ય હેતુ સમજાવતા જણાવ્યું કે, મહિલાઓને કાનુની જાગૃતિ અને અધિકારો અંગે માહિતગાર કરી મહિલા સુરક્ષા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. શ્રીમતી શ્વેતાબેન આર દેસાઇ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, વલસાડ દ્વારા સ્ત્રીઓના રક્ષણ, સશક્તિકરણ અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઘડાયેલા વિશેષ કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. શ્રી કમલેશ ગીરાસે, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી વલસાડ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત વિગતવાર માહિતી આપવામાં આવી અને વિવિધ પ્રકારની હિંસા થઈ શકે એના વિશે સમજણ આપવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ મિશન કૉ-ઓર્ડીનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ અન્ય મહિલાલક્ષી વિવિધ યોજનાકીય માહિતી આપી હતી. ખુશ્બુબેન પટેલ એડવોકેટશ્રી વલસાડ દ્વારા મહિલાઓના કાયદાઓ તેમજ જિલ્લા સેવા સત્તા મંડળની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. “સખી” વન સ્ટોપ સેન્ટર વલસાડના કાઉન્સેલર સ્નેહાલીબેન પટેલ દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરીનો પરિચય આપવામાં આવ્યો હતો.

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કપરાડાના કાઉન્સેલર સ્નેહલબેન પટેલ દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં DLSAના કર્મચારીગણ, SHE TEAM પોલીસ – નાનાપોંઢા, આંગણવાડી કાર્યકર બહેનો, સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, દૂધ મંડળીના પ્રમુખશ્રી, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગામના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં યોજનાકીય પેમ્પલેટ અને ફોલ્ડર વિતરણ કરવામાં આવ્યા હતા.
