રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના છીરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 1227 અરજીનો હકારાત્મક નિકાલ

ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રજાના લાગણી, માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ રાજ્ય સરકાર દ્વારા સરકાર તમારા દ્વારે વિચાર સાથે સેવાસેતુ કાર્યક્રમનું ગામે ગામ અને શહેરોમાં આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે શુક્રવારે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપી મહાનગરપાલિકા દ્વારા છીરી ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1227 જેટલી અરજીનો હકારાત્મક નિકાલ કરાતા અરજદારોએ સરકારનો આભાર માન્યો હતો.

પોતાના જ ગામમાં કે શહેરમાં એક જ છત નીચે નાગરિકોને સરકારની વિવિધ યોજના અને સેવાનો લાભ મળી રહે જેથી તેઓએ તાલુકા કે જિલ્લા મથક સુધીની કચેરીમાં લંબાવુ ન પડે અને તેમની અરજીનો ઝડપી નિકાલ થાય તે માટે વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા છીરી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેની રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ કચેરીના સેવા કાઉન્ટર પાસે જઈ અધિકારી/કર્મચારીઓ દ્વારા શું સેવા અપાઈ રહી છે અને તેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે કે કેમ અંગે લોકો સાથે ચર્ચા કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સ્થળ પર સેવા સેતુ કાર્યક્રમનો લાભ મેળવનાર લાભાર્થી કાજલ વિનય ગુપ્તાએ જણાવ્યું કે, સેવા સેતુ કાર્યક્રમનું આયોજન મારા ઘર નજીક થયું હોવાનું જાણવા મળતા હું અહીં આવી હતી અને મારા દીકરાનો જન્મનો દાખલો માત્ર 10 મીનિટમાં જ મળી ગયો હતો. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.

લાભાર્થી મહમંદ અયુબ અંસારીએ જણાવ્યું કે, મારો ઓરિજનલ જન્મનો દાખલો ખોવાઈ ગયો હતો. જેના કારણે સરકારી યોજનાકીય લાભ મેળવવા હોય તો મને ઘણી તકલીફ પડતી હતી. મારી પાસે માત્ર ઝેરોક્ષ કોપી હતી. જેના આધારે મને આજે સેવાસેતુ કાર્યક્રમમાં નવો જન્મનો દાખલો મળી ગયો હતો. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.
છીરીના કંચનનગરમાં રહેતા સુમનબેને જણાવ્યુ કે, મારી દીકરીના લગ્ન થયા બાદ તેના લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે છીરી મનપાના જનસેવા કેન્દ્રમાં અરજી કરી હતી. આજે સેવાસેતુ કાર્યક્રમમાં મને હાથો હાથ મારી દીકરીનું લગ્નનું પ્રમાણપત્ર મળી ગયું હતું. જે બદલ હું સરકારનો આભાર માનુ છું.
વાપીના છીરીમાં રહેતા આશિષભાઈ એ જણાવ્યું કે, મારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક કરાવવાનો હતો. જે કામ ઘણા દિવસથી બાકી હતું. પરંતુ આજે અમારા વિસ્તારમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવા અંગે જાણ થતા હું અહીં આવ્યો હતો અને તરત જ મારુ કામ થઈ ગયુ છે જે બદલ સરકારનો આભાર માનુ છું.
આ રીતે સાતબાર/આઠ-એના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેક્ષ, ઉંમરનો દાખલો, જાતિ પ્રમાણ પત્ર, નવા વીજ જોડાણ કનેકશન, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, પીએમ સ્વનિધિ યોજના સહિતની વિવિધ યોજનાનો કુલ 1227 લોકોએ લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!