ગુજરાત એલર્ટ | વલસાડ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ અવસરે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વલસાડના પારનેરા પારડી સ્થિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું હતું. ભગવાન બિરસા મુંડાજીનું પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

આ અવસરે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિતે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. ભગવાન બિરસા મુંડાજીએ ૨૫ વર્ષની ઉંમરે ક્રાંતિ કરી દરેક સમાજની જાગૃતિ અને દેશની આઝાદી માટે કાર્ય કર્યું છે, જેની પાસે પ્રેરણા લઇ સમાજ ઉપયોગી કાર્યમાં સૌને સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં મહિલાઓનું સન્માન થાય ત્યાં દેવતાઓના અસીમ આશીર્વાદ પણ મળે છે. આજે મહિલાઓ શિક્ષિત બની દરેક ક્ષેત્રોમાં આગળ આવી છે, સરકારી તેમજ રાજકીય ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાએ સ્થાન મેળવ્યું છે. દૂધ મંડળીઓમાં સહભાગી બની શ્વેતક્રાંતિ કરી આર્થિક રીતે સદ્ધર બની આત્મનિર્ભર બની રહી છે. આ તમામનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને જાય છૅ, જેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી તેનો લાભ સાચા લાભાર્થીને મળે તેની ચિંતા કરી છે.

પ્રદેશ સંગઠનના અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું દેશ અને સમાજ માટે મોટુ યોગદાન છે, જેમના જન્મ દિવસની ઉજવણી એક સપ્તાહ સુધી કરવામાં આવી છૅ. તેમણે આજના યુવાઓની દેશ પ્રત્યેની જવાબદારી અને ફરજોની સમજણ આપતાં જણાવ્યું હતું કે, આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી દેશના વિકાસમાં સફળતાપૂર્વક પગરણ માંડી રહી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

વલસાડ તાલુકાની પ્રગતિશીલ મહિલાઓ અંજલીબેન નાયકા અને તેજલબેન પટેલે રાજ્ય સરકારની યોજનાનો લાભ મેળવી જીવનમાં આવેલા પરિવર્તનની જાણકારી આપી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ વહાલી દીકરી યોજનાઓના મંજૂરી હુકમો, જ્યારે કિશોરી, સગર્ભા અને ધાત્રી માતાઓને કીટનું વિતરણ કરાયું હતું.

વલસાડ શહેર મામલતદાર તૃપ્તિબેન ગમિતે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંમેલનનો હેતુ સમજાવ્યો હતો.
ડુંગરી સ્ટેશન શાળાના શિક્ષિકા પ્રીતિબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બાલવિકાસ યોજના અધિકારી નીલમબેન પટેલે આભારવિધિ કરી હતી.
આ અવસરે વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી કુલદીપ ગઢવી, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, ઈ. ચા. તાલુકા વિકાસ અધિકારી અંકિત ઠાકોર, શહેર-ગ્રામ્ય મામલતદાર, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
