વલસાડથી COP31 સુધી: ડૉ. ભૈરવી જોશીએ વૈશ્વિક ક્લાઇમેટ મંચ પર ભારતના સાયકલિંગ અભિયાનનું કર્યું પ્રતિનિધિત્વ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ સમાન પ્રસંગે, BYCS India Foundationનાં સ્થાપક ડિરેક્ટર અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનાં સાયકલિંગ એડવાઇઝર ડૉ. ભૈરવી જોશીએ તુર્કીમાં યોજાયેલી 31મી કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ (COP31)માં ભારત સરકારના સત્તાવાર ફિટ ઇન્ડિયા પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેમની સહભાગિતાએ વૈશ્વિક સ્તરે ભારતના વધતા જતા સામૂહિક સાયકલિંગ અભિયાન અને ટકાઉ પરિવહન ક્ષેત્રે ભારતના પ્રયાસોને ઉજાગર કર્યા હતા. તેમની સહભાગિતાનું મુખ્ય આકર્ષણ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પેવેલિયનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પેનલ ચર્ચાનું સંચાલન હતું. સાયકલિંગ, ટકાઉ પરિવહન અને આબોહવા પરિવર્તન અંગેની આ ચર્ચામાં BYCS Amsterdam, Walk21, World Resources Institute (WRI), The Energy and Resources Institute (TERI) અને ITDP Africa જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ જોડાયા હતા.

ડૉ. ભૈરવી જોશીએ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC)નું પ્રતિનિધિત્વ કરતાં લિન્ડિતા ઝાફેરી-સાલિહુની મુખ્ય વક્તા તરીકે સહભાગિતા સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના સંબોધનથી સ્થાનિક સ્તરે ચાલતાં સાયકલિંગ અભિયાનો અને વૈશ્વિક આબોહવા નીતિ વચ્ચેના સંબંધને વધુ મજબૂતી મળી હતી. ચર્ચામાં ખાસ કરીને ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં શરૂ કરાયેલું આ અભિયાન આજે દેશનાં સેંકડો શહેરોમાં લોકભાગીદારી આધારિત એક વિશાળ જનઆંદોલન બની રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને શારીરિક તંદુરસ્તી માટે સાયકલિંગ અપનાવવા પ્રોત્સાહિત કરવાની સાથે સ્વચ્છ હવા, ટકાઉ પરિવહન અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.

ભારતીય પ્રતિનિધિમંડળ દ્વારા તુર્કીમાં વિશેષ સન્ડેઝ ઓન સાયકલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ભારતનું આ જનઆંદોલન આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું હતુંસાયકલિંગ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ડૉ. ભૈરવી જોશી દેશભરમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ, સામૂહિક ભાગીદારી અને બાઇસિકલ મેયર્સ તથા સાયકલિંગ લીડર્સનું નેટવર્ક વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનાં સાયકલિંગ એડવાઇઝર તરીકે તેઓ ભારતના સાયકલિંગ અભિયાનોને આંતરરાષ્ટ્રીય મંચો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો સાથે જોડવામાં સક્રિય રહ્યાં છે.
વલસાડ માટે ડૉ. ભૈરવી જોશીની COP31માં સહભાગિતા ગૌરવની બાબત છે. વલસાડથી શરૂ થયેલી તેમની સફર આજે વૈશ્વિક આબોહવા મંચ સુધી પહોંચી છે, જે સ્થાનિક સ્તરે કરવામાં આવતા સતત પ્રયાસો વૈશ્વિક સ્તરે કેવી અસર ઊભી કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની આ સહભાગિતા એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે સાયકલિંગ માત્ર તંદુરસ્તી કે મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ સ્વસ્થ સમાજ, રહેવા લાયક શહેરો અને ટકાઉ ભવિષ્યના નિર્માણનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!