‘નશામુક્ત યુવા – વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ભિલાડ ખાતે બ્લોક કક્ષાની રમતોત્સવ સ્પર્ધા યોજાઈ: વોલીબોલ, ખો-ખો, ૨૦૦ મીટર દોડ અને ગોળાફેંક સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
મેરા યુવા ભારત, વલસાડ દ્વારા યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે રસ, શિસ્ત, ટીમભાવના અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘નશામુક્ત યુવા – વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત ભિલાડની આઈ.ટી.આઈ. ખાતે બ્લોક કક્ષાની રમતોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને સંબોધતા રમતગમત અને શારીરિક કસરતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી. વધુમાં યુવાનોને વ્યસનોથી દૂર રહી રમતગમત, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

રમતોત્સવમાં વોલીબોલ, ખો-ખો, ૨૦૦ મીટર દોડ અને ગોળાફેંક (શોટપુટ) જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ખેલાડીઓને પ્રમાણપત્રો, મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મેરા યુવા ભારત, વલસાડનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રમતગમત સાથે જોડીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવા તેમજ તેમને નશા અને અન્ય સામાજિક દુષણોથી દૂર રાખવાનો છે. રમતગમત યુવાનોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, શિસ્ત અને ટીમભાવના વિકસાવવાનું સશક્ત માધ્યમ છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ હેતલ શર્મા, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક, રામમનોહર, પલક, વંશ અને સ્નેહા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ટી.આઈ. ભિલાડના આચાર્યશ્રી, સ્ટાફ અને સંસ્થાના સભ્યોનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

“રમત સાથે જોડાઓ, નશાથી દૂર રહો – સ્વસ્થ યુવા, સમર્થ ભારત!”ના સંદેશ સાથે નશામુક્ત યુવા અને સ્વસ્થ યુવા શક્તિના નિર્માણ થકી વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા મેરા યુવા ભારત, વલસાડ દ્વારા આવા યુવા કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!