વાપી મનપામાં પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનામાં અંતિમ બે દિવસમાં ધસારો, રૂ. ૩.૮૨ કરોડનો વેરો જમા થયો: જુન માસમાં ૪૮૫૪૮ મિલકત ધારકોએ રૂ.૧૯.૮૮ કરોડનો વેરો ભરીને રૂ.૯૫.૪૧ લાખનું રીબેટ મેળવ્યું: ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ૧% રીબેટ જુલાઈ-૨૬ થી માર્ચ-૨૭ સુધી ચાલુ રહેશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અમલી બનાવવામાં આવેલી જુન માસની પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનાને આ વર્ષે કરદાતાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
આ યોજનાના અંતિમ બે દિવસમાં જ મિલકત ધારકોએ ભારે ઉત્સાહ બતાવીને રૂ.૩.૮૨ કરોડનો વેરો જમા કરાવ્યો હતો. આ વર્ષે વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને નિયમિત ૫% ઉપરાંત કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વેબસાઈટથી ઓનલાઈન વધુ ૧% રીબેટ આપવામાં આવ્યું હોવાથી ગત વર્ષ કરતા રૂ.૩.૫૫ કરોડનો વેરો વધુ ભરાયો છે. વધુ લોકો આ યોજનાનો લાભ લે એ માટે ઘરવેરા વિભાગ દ્વારા વિવિધ માધ્યમોથી સતત પ્રચાર પ્રસાર અને સંપર્ક અભિયાન કરવામાં આવ્યું હતું. તથા જાહેર રજાના દિવસોમાં પણ વેરો સ્વીકાર્યો હતો.
જુન માસમાં ૪૮૫૪૮ મિલકત ધારકોએ રૂ.૧૯.૮૮ કરોડનો વેરો ભરીને રૂ.૯૫.૪૧ લાખનું રીબેટ મેળવ્યું હતું. જેમાં ઓનલાઈન વેરો રૂ.૯.૮૦ કરોડ જમા થયો હતો. ગત વર્ષે ૩૬૦૩૦ લોકોએ રૂ.૧૬.૩૩ કરોડનો વેરો ભરી રૂ.૬૬.૬૩ લાખનું રીબેટ મેળવ્યું હતું. મૂળ વાપી નગરપાલિકા વિસ્તાર સાથે સમાવિષ્ટ ૧૧ ગામ વિસ્તારના મિલકત ધારકોએ પણ વધુ ઉત્સાહ બતાવ્યો હતો અને ૧૨૯૮૭ મિલકત ધારકોએ રૂ.૪.૫૯ કરોડનો વેરો જમા કરાવી વિકાસ કાર્યોમાં ભાગીદારી નોંધાવી છે. ગત વર્ષે ૧૧ ગામ વિસ્તારમાંથી રૂ.૧.૮૧ કરોડ જમા થયો હતો. જુન માસમાં વેરો ભરવામાં બલીઠા અને છરવાડા વિસ્તારના મિલકત ધારકો અગ્રેસર રહ્યા હતા.
ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ૧% રીબેટ જુલાઈ-૨૬ થી માર્ચ-૨૭ સુધી ચાલુ રહેવાનું હોવાથી બાકી મિલકતધારકોને એનો લાભ લેવા ઘરવેરા વિભાગની યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!