ભારતે સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં નેપાળને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, વલસાડના આરવ પટેલનું આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન: દક્ષિણ એશિયાના કુલ આઠ દેશ ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશ, પાકિસ્તાન, માલદીવ, ભૂતાન, અફઘાનિસ્તાન એ ભાગ લીધો

ગુજરાત એલર્ટ | વલસાડ
રમતગમત ક્ષેત્રે વલસાડ અને સમગ્ર ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરતું વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલી સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ વિજેતા ટીમમાં વલસાડના પ્રતિભાવંત ખેલાડી આરવ અતીત પટેલની સત્તાવાર પસંદગી થઈ હતી અને તેમણે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં દક્ષિણ એશિયાના કુલ આઠ દેશો ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશ, પાકિસ્તાન, માલદીવ, ભૂતાન, અફઘાનિસ્તાન એ ભાગ લીધો હતો. તા.૨૯ મી જૂનથી તા. ૧ લી જુલાઈ દરમિયાન યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ શાનદાર રમત બતાવી ફાઇનલમાં પહોંચી હતી. તા. ૧લી જુલાઈના રોજ રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે યજમાન નેપાળને હરાવીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે મેળવેલા મેડલ્સ અને ઉત્કૃષ્ટ રમતને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિ દ્વારા આરવની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તેમના કોચ અને કેપ્ટન નિશિતસીંગ રાણાના યોગ્ય માર્ગદર્શન હેઠળ આરવે કરેલી સખત મહેનત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે રંગ લાવી છે.

આરવ અતીત પટેલ હાલમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ‘બી.એસ.સી ઈન સ્પોર્ટ્સ કોચિંગ’ (B.Sc. in Sports Coaching) નો અભ્યાસ કરી રહ્યો છે. રોકબોલ ઉપરાંત તે વોલીબોલ અને ક્રિકેટનો પણ ઉત્કૃષ્ટ ખેલાડી છે. આરવની આ ગૌરવપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના રમતગમત પ્રેમીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત દેશની સાથે વલસાડનું નામ રોશન કરવા બદલ સર્વે એ આરવને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!