વલસાડ જીલ્લા સંકલન સમિતિની બેઠક મળી પ્રજાના પ્રતિનિધીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નો રજુ કર્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્યો રમણભાઇ પાટકર, જીતુભાઇ ચૌધરી, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલે જુદા જુદા પ્રજાલક્ષી પ્રશ્નોની રજુઆત કરી હતી.
ઉમરગામના ધારાસભ્ય રમણભાઇ પાટકરે જુલાઇ-૨૬ ના પેન્ડીંગ પ્રશ્ન ફણસા ગામે તળાવ વાળી જુના સર્વે નં-૫૩૫,૫૩૬ જમીન ધી ટાટા એગ્રી કલ્ચર એન્ડ રૂરલ ટ્રેનિંગ સેન્ટર ફોર ધી બ્લાઇન્ડને ગ્રાંટ ન મળે ત્યાં સુધી ઉપયોગ માટે આપવામાં આવી હતી. હવે આ સંસ્થા ગ્રાંટેબલ હોઇ, જમીન પરત ગ્રામ પંચાયતને આપવા રજુઆત કરી હતી. ઉમરગામ મામલતદારે જમીન પરત લેવા નોટીસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કલેકટરે જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને જિલ્લામાં આવી મિલકતો હોય તો તાત્કાલિક નોટીસ આપી, જમીન સરકાર હસ્તક લેવા સુચના આપી હતી.
ધારાસભ્યે જુન માસ દરમિયાન વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ઓવર ટેપીંગ થયા હતા. અને ઘણા સ્થળોએ પાણી ભરાયા હતા.ફણસા ખાતે કેબો કપંની પાસે, મરોલી-ભીલાડ નેશનલ હાઇવે પર મરોલી ચાર રસ્તા, તેમજ સરઇ ગામ, માંડા સનવારપાડા,નેશનલ હાઇવે-૪૮ પર ભીલાડ, સાતનાળા, સંજાણ બંદરપાડા, કનાડુ થી પાલી કરમબેલે રસ્તા પર પાલી ગામે મોટો ખેસ મરામત કરવા રજુઆતો કરતાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે બોક્ષ કલવર્ટ, સંરક્ષણ દિવાલ બનાવવા દરખાસ્તની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્યે સીએચસી સેન્ટર ડહેલી ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા એક વર્ષથી ૧૮૦ જેટલા જન્મના પ્રમાણપત્રો આપવામાં આવ્યા નથી તેવી રજુઆત કરતાં કલેકટરે તાત્કાલિક ધોરણે બધા જ બાકી જન્મના પ્રમાણપત્રો અઠવાડિયામાં નિકાલ કરવા અને કામગીરીનો વિલંબ કરનારા સામે ખાતાકીય કાર્યવાહી કરવા પણ સુચના આપી હતી. ઉમરગામ તાલુકામાં દેહરી, ઉમરગામ, મરોલી, કલગામ, ફણસા ગામોમાં દરિયાઇ ધોવાણ અંગે ધારાસભ્યે રજુઆત કરી હતી. જે સંદર્ભે દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઇજનેરે સંરક્ષણ દિવાલ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત ધારાસભ્યે પુનાટ ગામે દર વર્ષે વરસાદી પાણી ભરાતા અહીં વસતા લોકો માટે કાયમી નિરાકરણ માટે ફોરેસ્ટની જમીન ફાળવવા, ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આંગણવાડીઓ બનાવવા રજુઆતો કરી હતી.

કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ કપરાડા તાલુકાના મેઘવાળ ગામે જયોતિગ્રામ યોજના હેઠળ રેલ્યુલર વીજળી ન મળવા બાબતે રજુઆત કરી હતી. ડીજીવીસીએલના અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું કે, અછારી ફીડર થી વીજળી આપવામાં આવે છે જેની લંબાઇ ૫૭ કિ.મી. જેટલી છે. જે પૈકી ૩૩.૫ કિમી. ઓવરહેડ થી અંડરગ્રાઉન્ડ કામગીરી પુર્ણ થઇ છે. અને ૧૯ કી.મી. લાઇન એમવીસીસી કોટેડ કરી છે. બાકી કામ બે માસમાં પુર્ણ થશે જેથી કાયમી ઉકેલ આવી જશે.
આ ઉપરાંત વાપી ધરમપુર નેશનલ હાઇવે -૫૬ પર પેચવર્ક કામ વ્યવસ્થિત ન થવા, અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ધમડાચી ગામ ખાતે નવા બ્રીજ હાલમાં જ બન્યો છે. જયાં રસ્તાની હાલત અંત્યત ખરાબ તેમજ કાઠીયાવાડી હોટલની સામે પાંચ ફૂટ ઉંચી દિવાલના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોવાની રજૂઆતો કરી હતી. કલેકટરે આ બાબતને ગભીંરતાથી લઇ, નેશનલ હાઇવેના અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે ચોકકસ પ્લાન કરવા સુચનાઓ આપી હતી.
વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે વલસાડ નગરપાલિકામાં આઝાદ ચોકથી મસ્જીદ થઇ કોંસબા રોડ ધોબીતળાવ, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુની આગળ અને મહાત્મા ગાંધી રોડ, ધરમપુર રોડ અને અન્ય જાહેર રસ્તા પરના દબાણો દુર કરવા રજુઆતો કરી હતી. નગરપાલિકાના અધિકારીએ દબાણકર્તાઓને નોટીસ ઉપરાંત કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્યે કાંઠા વિસ્તારમાં દાડી, ભાગલ, કકવાડી, ધરાસણા ગામે અગરિયાઓના મીઠાના પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયેલ છે. જેના સર્વે અંગેની રજુઆત કરતાં, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરે સ્થળ તપાસણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મીઠાના નુકશાન અંગે ભાગલ-દાંડી કરદીવા વિભાગ મીઠુ ઉત્પાદક સહકારી મંડળી, ભાગળ, ધી છરવાડા વિભાગ કો.ઓ.સોલ્ટ પ્રોડયુર્સ એન્ડ સેઇલ સોસાયટી લી. છરવાડા, ધી ધરાસણા ગૃપ કો.ઓ. સોલ્ટ પ્રોડયુસ એન્ડ સેઇલ સોસાયટી લી. ધરાસણા અને કકવાડી મીઠું ઉત્પાદક સહકારી મંડળી લી. કકવાડીએ અરજી કરી છે. નુકશાની અંગેની વિગતો, ફોટોગ્રાફસ, વિડીયો સહિત ગ્રામં પંચાયતનો દાખલો અને સાથે લીઝ રીન્યુઅલની વિગતો આપવામાં આવે તો આગળની કાર્યવાહી થઇ શકે તેમ જણાવ્યું હતું.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે અગાઉના બાકી પ્રશ્ન ધરમપુરની રાજી રાજબા કન્યાશાળા કે જે રાજાના સમયની ધરોહર છે. તેની યોગ્ય જાળવણી અને હેરીટેજ માટે થયેલી કાર્યવાહી સંદર્ભે રજુઆત કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર કે.એસ.ડાભીએ કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!