ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે વિલ્સન હિલ જતાં મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે માર્ગનો એક ભાગ ધસી જતાં વાહનવ્યવહાર માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ઘટનાની જાણ થતાં જ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને અગ્રણી ગણેશભાઈ બિરારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થળનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ધારાસભ્યએ માર્ગની વહેલી તકે મરામત હાથ ધરવા, જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ વાહનવ્યવહાર સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સતત દેખરેખ રાખવા અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે જરૂરી તમામ તકેદારી રાખવા ભાર મૂક્યો હતો.

ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે જનતાની સુરક્ષા સર્વોપરી છે. તેમણે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી.
