ધરમપુરના બોપી નજીક ધસમસતા પાણીમાં કાર તણાઈ; ચાલકે સમયસૂચકતા દાખવી જીવ બચાવ્યો: જિલ્લા વહીવટી તંત્ર એ નાગરિકોને સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં અનરાધાર વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોપી ગામ પાસે બોપીથી મોડાઆંબા જતા કોઝવે પરથી પાણીનો સતત પ્રવાહ પસાર થતા કોઈ વાહન પસાર ન થાય તે માટે તંત્ર દ્વારા બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં બુધવારે સવારે ૬:૩૦ થી ૭:૩૦ ના વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતનો નિકુંજ કુમાર મિસ્ત્રી પોતાની કાર લઈ પાણીના પ્રવાહમાંથી પસાર થવા પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કાર પાણીના પ્રવાહમાં આગળ જઈ શકી ન હતી અને પાણીના પ્રવાહ તરફ તણાવા લાગી હતી. જેથી ચાલક નિકુંજ મિસ્ત્રીને સ્થિતિની ગંભીરતાનો અણસાર આવી જતા સમયસૂકતા વાપરી કારમાંથી કોઈપણ રીતે બહાર નીકળી આવી પોતાનો જીવ બચાવી લીધો હતો. જો કે આ ઘટના દરમિયાન તેમની કાર ધીમે ધીમે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સાથે તેમનો મોબાઈલ પણ કારમાં સાથે તણાઈ ગયો હતો.

જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તા, કોઝવે અથવા નદી-નાળાઓ પર બનાવવામાં આવેલા નીચાણવાળા માર્ગો પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરે. તંત્ર દ્વારા મૂકવામાં આવેલા બેરીકેડિંગ, ચેતવણીના બોર્ડ અને સૂચનાઓનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. થોડી ઉતાવળ કે બેદરકારી જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે. તેથી કોઈપણ સંજોગોમાં પોતાના જીવનું જોખમ ન ખેડવું અને સૌપ્રથમ પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!