નિર્માલ્ય નહીં, નવજીવન: ધરમપુરના દસોંદી ફળિયામાં ગણેશોત્સવ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ: ગણપતિ બાપાને અર્પણ થયેલા ફૂલો હવે બનશે વૃક્ષોનું ખાતર, દસોંદી ફળિયામાં અનોખી પહેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુરના દસોંદી ફળિયામાં યુવા શક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આ વર્ષે ધાર્મિક આસ્થા, ભવ્ય સજાવટ સાથે પર્યાવરણ જાગૃતિ અને પરંપરાના જતનના સંદેશ સાથે કેદારનાથની થીમ પર ભવ્ય ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કેદારનાથ ધામની અનુભૂતિ કરાવતી રચના સાથે લાઈવ વહેતા ઝરણાની થીમ પણ ભક્તોનું ધ્યાન ખેંચી રહી છે.

77 વર્ષથી પરંપરા અકબંધ:
યુવા શક્તિ યુવક મંડળ દ્વારા છેલ્લા 77 વર્ષથી અકબંધ રહેલી પરંપરા મુજબ દહાણુના એક જ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી માટીની ગણેશ પ્રતિમાની પધરામણી કરવામાં આવે છે. વર્ષોથી જે મૂર્તિકાર પરિવાર પાસેથી પ્રતિમા લાવવામાં આવે છે, ત્યાંથી જ પ્રતિમા તૈયાર કરાવવાની પરંપરા મંડળે જાળવી રાખી છે. નોંધનીય છે કે મૂર્તિમાં કુદરતી રંગોના ઉપયોગને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે.
ગણેશજીના આગમનની પરંપરા પણ અહીં વિશેષ છે. આગમનના દિવસે ભક્તોના ઘરે મૂર્તિ લઈ જઈ, ત્યારબાદ લારીમાં બેસાડી DJના ઘોંઘાટ વિના ભજન, ધૂન અને જયઘોષ સાથે સમગ્ર ફળિયામાં ગણપતિ બાપાનું આગમન કરાવવામાં આવે છે. આ પરંપરામાં આજની યુવા પેઢી પણ ભક્તિભાવપૂર્વક જોડાઈ રહી છે. ત્યારબાદ દસોંદી ફળિયાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા પણ યથાવત્ રાખવામાં આવી છે.

ગણપતિ બાપાને અર્પણ થયેલા ફૂલ હવે બનશે ફળિયાનાં વૃક્ષોનું ખાતર
આ વર્ષની ઉજવણીમાં સૌથી મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણપતિ બાપાને અર્પણ થતાં નિર્માલ્ય ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
ગણેશજીને અર્પણ કરાયેલા ફૂલો સામાન્ય રીતે પૂજા બાદ કચરામાં જતા હોય છે. તેના બદલે મંડળ દ્વારા આ ફૂલોને અલગથી એકત્ર કરી, તેમાંથી પ્લાસ્ટિક, દોરા સહિતની અન્ય સામગ્રી અલગ કરીને કુદરતી પ્રક્રિયા દ્વારા ખાતર તૈયાર કરવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
ફૂલોનું યોગ્ય રીતે પ્રોસેસિંગ થયા બાદ તૈયાર થનારા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ ફળિયાનાં વૃક્ષો અને હરિયાળી માટે કરવામાં આવશે. એટલે કે, ભગવાનને અર્પણ થયેલા ફૂલોનો અંત કચરામાં નહીં પરંતુ વૃક્ષોના પોષણમાં થશે.
‘ફૂલોથી ખાતર – ખાતરથી હરિયાળી’ ના સંદેશ સાથે કરવામાં આવી રહેલો આ પ્રયાસ પર્યાવરણ સંરક્ષણ તરફની એક નાની પરંતુ અર્થપૂર્ણ પહેલ બની રહ્યો છે.
મંડળના ધર્મિન ગુપ્તા જણાવે છે કે, “ફૂલોમાંથી ખાતર બનાવવાનો આ પ્રયોગ હાલમાં ખૂબ નાના પાયા પર છે. અમારો મુખ્ય હેતુ મોટા પ્રમાણમાં ખાતર બનાવવાનો નહીં પરંતુ લોકજાગૃતિ લાવવાનો છે. ભગવાનને અર્પણ થતાં ફૂલો કે પૂજા સામગ્રીને સીધી ફેંકી દેવાને બદલે તેનું રિસાયકલિંગ કરીને તેનો ફરી સારો ઉપયોગ કરી શકાય છે, એ વાત લોકો સુધી પહોંચે તે અમારો મુખ્ય હેતુ છે.”
ગણેશોત્સવની શ્રદ્ધા સાથે પર્યાવરણની જવાબદારી જોડતો આ પ્રયોગ ‘નિર્માલ્ય નહીં, નવજીવન’નો સંદેશ આપે છે. આજે બાપાને અર્પણ થયેલા ફૂલો આવતીકાલે ફળિયાનાં વૃક્ષો માટે ખાતર બનીને ફરી જીવન આપશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!