વડાપ્રધાનના જન્મદિવસે વલસાડ જિલ્લાને નવા માહિતી ભવનની ભેટ: રૂ. બે કરોડના ખર્ચે નિર્માણ થયેલા વલસાડ જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ: માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ રૂ. ૦૨ કરોડ ૧૧ લાખના ખર્ચે નિર્માણ થયેલા વલસાડ જિલ્લા માહિતી ભવનનું લોકાર્પણ કરી જિલ્લાને ભેટ આપી હતી.

નવા માહિતી ભવનના ઉદઘાટન પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમગ્ર ભારત વર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. એમણે ગુજરાતના મુખ્યમંત્રી પદે તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ રાજ્યની શાસન ધૂરા સંભાળી હતી અને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ શાસકીય ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી સેવા સમર્પણ અને સેવા સુશાસનના અનેકવિધ સેવા કાર્યો થવા જઈ રહ્યા છે ત્યારે આજે સરકારની તમામ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની સાચી માહિતી જાહેર જનતા સુધી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવતા માહિતી ભવનના નવા મકાનનું લોકાર્પણ કરાયું છે. માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે. વલસાડ જિલ્લાની માંગણી હતી કે, માહિતી ખાતાની સુંદર કચેરી બને અને આજે માહિતી ભવનના નવા મકાનનું લોકાર્પણ કરાયું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે, જિલ્લા માહિતી કચેરી સરકારના વિકાસ કાર્યોની ઝડપી અને સાચી માહિતી જનતા સુધી પહોંચતી કરવામાં સફળ રહેશે. માહિતી ભવનના નિર્માણ માટે જિલ્લાના પત્રકાર મિત્રોને પણ અભિનંદન પાઠવુ છું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન જે પટેલે જિલ્લાના નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસાને અભિનંદન પાઠવી સરકારના વિકાસ કાર્યોની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી રાજ્યના વિકાસને વેગ આપવા શુભેચ્છા પાઠવી હતી.

વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે જણાવ્યું કે, માહિતી ખાતુ અને સરકાર એક સિક્કાની બે બાજુ છે. માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે. આ નવા માહિતી ભવનથી વલસાડ જિલ્લામાં સરકારના પ્રચાર પ્રસારની કામગીરી વધુ સારી રીતે થઈ શકશે. દેશની ચોથી જાગીર ગણાતા મીડિયા મિત્રો માટે પણ અહી અલાયદો રૂમ ફાળવાયો હોવાથી પત્રકાર મિત્રોને પણ સુગમતા રહેશે.

માહિતી વિભાગની સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી એ.બી.મછાર અને નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ મહેતા સહિત જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રદેશ સંગઠનના મંત્રી સોનલબેન સોલંકી અને જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને જિલ્લાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવા માહિતી ભવનમાં શું સુવિધા ઉપલબ્ધ કરાઈ
માહિતી ભવનના નવા મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની સુવિધા અને પત્રકાર રૂમનો સમાવેશ કરાયો છે. ફર્સ્ટ ફ્લોર ઉપર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન ઓફિસરની ચેમ્બર, સિનિયર સબ એડિટરની ચેમ્બર, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, એડમિન અને એકાઉન્ટ બ્રાંચ, ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ અને સ્ટાફ ચેમ્બર તથા લિટરેચર રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રી અને માહિતી કેન્દ્રનો સમાવેશ કરાયો છે. સેકન્ડ ફલોર પર ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરની ચેમ્બર, ઈલેકટ્રોનિક મીડિયા અને ટેકનિકલ બ્રાંચ હોલ, એક્ઝિબિશન/કોન્ફરન્સ હોલ વીથ લાઈબ્રેરી, સ્ટોરરૂમ તેમજ વધારાના બે રૂમનો સમાવેશ કરાયો છે.

માહિતી ભવનમાં પત્રકારો માટે અલાયદો રૂમ અને પ્રદર્શની નિહાળી શકાશે
વલસાડ જિલ્લા મથક ખાતે માહિતી ખાતાનું અલાયદુ મકાન તૈયાર થવાથી મુલાકાતીઓ પ્રદર્શન નિહાળી શકશે. પત્રકારો માટે અલાયદો રૂમ હોવાથી પત્રકારોને એક જ જગ્યાથી સમાચારોની માહિતી મળી રહેશે. માહિતી ભવનનું નિર્માણ થવાથી માહિતીના અધિકારી/કર્મચારીઓને કામગીરી કરવામાં ઉત્સાહ બેવડાઈ રહેશે અને સારી રીતે કામગીરી કરી શકાશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!