હત્યા માટે સાપનો ઉપયોગ! કેરાલામાં પતિએ ઝેરી કોબ્રા પાસે દંશ અપાવીને પત્નીની કરી હત્યા

ગુસ્સે થયેલા કોબરાના બાઈટ માર્ક અને અજાણતા કરડેલા કોબરા બાઈટ માર્કમાં શું તફાવત હોય છે? એ જાણવા પોલીસે આખો સીન રિક્રિએટ કર્યો: આખરે ગુનો ઉકેલાયો

વલસાડ
પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા માટે કેવી કેવી ટેક્નિકનો સહારો લેવો પડતો હોય છે એનું ઉદાહરણ કેરળનો આ કેસ છે. કેરળ પોલીસે બહુચર્ચિત એવા ઉતરા મર્ડરકેસને સોલ્વ કરવા માટે ઝેરી કોબરા અને મહિલાના નકલી હાથનો સહારો લીધો હતો. પોલીસે આખો ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે કોબરા પાસે નકલી હાથને ડંખ પણ મરાવ્યા હતા. પોલીસે નિષ્ણાતોની વાત માનીને કોબરાને ઉશ્કેરીને પણ તેને ડંખ મરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી એ પણ જાણી શકાય કે ગુસ્સે થયેલા કોબરાના બાઈટ માર્ક અને અજાણતા કરડેલા કોબરા બાઈટ માર્કમાં શું તફાવત હોય છે? ઉલ્લેખનીય છે કે ઉતરાના પતિ સૂરજે તેનો ગુનો સ્વીકારી લીધો હતો. હવે તેની સામે પુરાવા ભેગા કરવા માટે જ પોલીસે આ અનોખી કહી શકાય એવી ટેક્નિકનો સહારો લીધો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ ગયા વર્ષે ઉતરાનું તેનાં માતાપિતાના ઘરે જ મોત થયું.

કોબરાએ કરડતાં તેનું મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત પોલીસને તેના રૂમમાંથી મરેલો કોબરા પણ મળતાં પ્રાથમિક નજરે પણ આ કેસ અકસ્માત જેવો લાગતો હતો. જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે થોડા મહિના પહેલાં જ ઉતરાને અન્ય સાપ પણ કરડ્યો હતો, જેને કારણે ગંભીર રીતે બીમાર થયા બાદ તે તેના પિયરમાં રિકવરી માટે આવી હતી. ત્યાં જ ફરી કોબરા કરડતાં પોલીસે તેના પતિ સૂરજ પર શંકાની સોય તાકીને આકરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ આગળ મૃતક મહિલાના પતિએ ગુનાનો સ્વીકાર કરીને એ પણ કહ્યું હતું કે તે સુરેશ નામના શખસ પાસેથી કોબરા લાવ્યો હતો તેમજ ઈન્ટરનેટ પર પણ સાપ અને એના ઝેર વિશે રિસર્ચ કર્યા બાદ જ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી પતિ તેની પત્નીથી છુટકારો મેળવવા માગતો હોવાથી તેણે હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો આખો પ્લાન કર્યો હતો. જોકે હવે તેને કોબરા આપનાર શખસ પણ સરકારી સાક્ષી બની જતાં હત્યા મામલે વધુ સાંયોગિક પુરાવા ભેગા કરવા પોલીસે ઝેરી કોબરાના ડંખની કયા સંજોગોમાં કેવી અને કેટલી અસર થાય છે એ જાણવા આખો સીન જ રિક્રિએટ કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!