ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પુસ્તક પ્રેમીઓની જ્ઞાનયાત્રાનો ૫૪મો મણકો વલસાડ તાલુકાના બિનવાડા ગામમાં આવેલા સખ્યવાટિકા ખાતે ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પુસ્તક પરિચય, વાંચનના અનુભવો અને પ્રવાસ વર્ણનથી સમૃદ્ધ બનેલા આ કાર્યક્રમમાં વિવિધ વયના વાંચકોએ ભાગ લઈ વાંચન પ્રેમનો સુંદર માહોલ સર્જ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત વૈશાલી જોષીની પ્રાર્થના સાથે થઈ હતી.
એડવોકેટ હાર્દિક પટેલે રામદાસ ગાંધીના “સફર સૉલિસિટરની” પુસ્તકનો પરિચય કરાવી તેમના જીવનસંઘર્ષ અને કાયદાકીય ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સફળતાની યાત્રા વિશે વાત રજૂ કરતી આત્મકથાનો પરિચય સાંભળવાનો આનંદ અનેરો રહ્યો હતો.

પ્રાથમિક શિક્ષણ મેળવતા આરુષ જોષીએ સુધા મૂર્તિના લોકપ્રિય પુસ્તક “Grandma’s Bag of stories”નો બાળસહજ સુંદર, રસાળ શૈલીમાં પરિચય આપી સૌનું મન જીતી લીધું હતું. કૉલેજમાં અભ્યાસ કરતી ઋત્વિકા વણકરે ” The Anxious Generation ” અને “The Amazing Generation ” પુસ્તકોના માધ્યમથી ડિજિટલ યુગમાં બાળકો અને કિશોરો સામે ઊભા થતા માનસિક પડકારો તથા તેના ઉપાયો અંગે પ્રકાશ પાડ્યો હતો.
અર્ચનાબેને લેખક જીતેશ દોંગાના પુસ્તક “રામબાઈ”નો આસ્વાદ કરાવ્યો હતો. પુસ્તકના મર્મને સરળ અને રસપ્રદ રીતે રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં પ્રવાસ વર્ણનને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ડૉ. આશા ગોહિલે પોતાના લદાખ પ્રવાસના અનુભવો સૌ સાથે વહેંચ્યા હતા. હિમાલયની ભવ્યતા, સરહદી વિસ્તારોનું જીવન, સૈનિકોનું સમર્પણ અને બૌદ્ધ સંસ્કૃતિ અંગેની માહિતીએ સૌને પ્રભાવિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પ્રવાસ વ્યક્તિના જ્ઞાન અને દૃષ્ટિકોણને વિસ્તૃત બનાવે છે.
અંતમાં દીપકભાઈ મર્ચન્ટે How to Read વિષય પર માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, વાંચન માત્ર માહિતી મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ સમજપૂર્વક વાંચવું, નોંધો તૈયાર કરવી, વિચારમંથન કરવું અને વાંચેલા વિચારોને જીવનમાં ઉતારવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમમાં પુસ્તક વાંચન રસિયાઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ પુસ્તકમય બની રહ્યો હતો.
