ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયના કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની દીર્ઘદ્રષ્ટિથી ભારત દેશના વધુને વધુ લોકો ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાઈ એવા આશ્રયથી વર્લ્ડ બાઈસીકલ ડે ની ઉજવણી અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સાઇકલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત સહકારથી ભારત દેશના કુલ ૨૦૦ શહેરોમાં અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા સાયકલ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ શહેરની પણ પસંદગી થઈ હતી.

વલસાડ શહેરમાં તા. ૧૪ જુન ૨૦૨૬ને રવિવારના રોજ સવારે ૬:૩૦ કલાકેથી વલસાડ કોલેજ કેમ્પસ તીથલ રોડ થી સ્વામિનારાયણ મંદિર તિથલ બીચ સુધી જઈને પરત આવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ખેલાડી બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સબ જુનિયર, જુનિયર અને ઇલાઇટ આમ ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજાય હતી. સ્પર્ધા ખૂબ જ સફળ રીતે સંપન્ન થઈ હતી. વિજેતા થનાર બહેનોને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તમામ ભાગ લેનાર બહેનોને પાર્ટિસિપેટ સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા.
આ સ્પર્ધામાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, જિલ્લા રમત અધિકારીશ્રી જી.જી.વળવી, ડો. કલ્પેશ જોશી, રણભૂમિ એકેડેમીના એડવોકેટ કેયુર પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાનું સફળ સંચાલન ડો.મુકેશ પટેલ, ડો. ભાવિન પટેલ અને શુભમ નિકમ (મુંબઈ સાયકલ) દ્વારા કરવામાં આવ્યું હતુ. કોમર્સ કોલેજના એન. સી. સી. કેડેટ, વલસાડ ફિઝિકલ એકેડેમીના તાલીમાર્થીઓ સ્પર્ધામાં સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી.
