વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસવાદને સમર્થન આપો- કનુભાઈ દેસાઈ: કનુભાઈ દેસાઈએ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચાર અને આક્ષેપોનો આંકડાકીય પુરાવાઓ સાથે જવાબ આપ્યો.

ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી ખાતે રોફેલ કોલેજના ઓડિટોરિયમમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી.
આ સંમેલનમાં વાપીના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, બુદ્ધિજીવીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનને સંબોધતા કનુભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ જનહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર વ્યક્તિના સર્વાંગી વિકાસથી લઈને દેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા માટે દૃઢ નિર્ણયો લઈ રહી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચતા લાભો વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી.

કાર્યક્રમ દરમિયાન કનુભાઈ દેસાઈએ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચાર અને આક્ષેપોનો આંકડાકીય પુરાવાઓ સાથે જવાબ આપ્યો હતો.
આગામી વાપી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે પ્રબુદ્ધ નાગરિકોને ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદને સમર્થન આપવા અને પક્ષને જંગી બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સોનલબેન સોલંકી (જૈન) (ગુજરાત પ્રદેશ મંત્રી), શિલ્પેષભાઈ દેસાઈ (પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સમિતિ સભ્ય), રમેશભાઈ ગોરી (વલસાડ જિલ્લા કોષાધ્યક્ષ), મનીષભાઈ દેસાઈ (વાપી શહેર ભાજપ પ્રમુખ), અમનભાઈ ત્રિવેદી (વાપી નોટિફાઈડ પ્રમુખ) સહિત મંડળના મહામંત્રીઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, પૂર્વ નગરસેવકો અને વાપીના જાગૃત તથા પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ઓડિટોરિયમ કાર્યકર્તાઓના ઉત્સાહ અને સમર્થનથી ગુંજી ઉઠ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!