નવસારીમાં ચૂંટણી રણનીતિ અંગે મહિલા સંમેલન યોજાયું: કોઈપણ ચૂંટણીમાં મહિલા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક હોય છે: સોનલબેન સોલંકી

ગુજરાત એલર્ટ | નવસારી
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુમિત્રાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના મંત્રી સોનલબેન સોલંકી (જૈન) દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણીમાં મહિલા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક હોય છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યુ હતું.
તેમણે સંગઠનમાં બહેનોની સક્રિય ભાગીદારી વધારવા તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જવાબદારીઓ નિભાવવાના મુદ્દે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જિલ્લા સંગઠનની બહેનો અને વિવિધ સ્તરે ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી કાર્યક્રમમાં ઉત્સાહ ઉમેર્યો હતો.

કાર્યક્રમમાં પ્રદેશના પૂર્વ મંત્રી શીતલબેન સોની, મહિલા મોરચાના હોદેદારો, મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો તેમજ લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ સંમેલન દ્વારા નવસારી જિલ્લામાં ભાજપના મહિલા મોરચાએ પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન કરી આગામી ચૂંટણી માટે શંખનાદ કર્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!