વલસાડના વૈદિક આશ્રમને જીવંત બનાવવા રહીશો લડવાના મુડમાં: બેઠકમાં આગામી દિવસોમાં આશ્રમ શરૂ થાય તે માટે રજૂઆતો કરવાનો નિર્ણય લેવાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી સ્વામી હરિપ્રસાદજી વૈદિક આશ્રમને ફરી જીવંત બનાવવા માટે હવે સ્થાનિક રહીશો અને ભક્તજનો એકજૂટ થયા છે. વલસાડના ભારત ડેરી માર્ગ પર વર્ષોથી ખંડેર જેવી હાલતમાં દેખાતી અને કરોડોની કિંમત ધરાવતી આ ઐતિહાસિક મિલકત ફરીથી વૈદિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બને તે માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આગામી દિવસોમાં સરકાર અને ચેરીટી કમિશનર કચેરી સમક્ષ રજૂઆતો કરવાનો નિર્ણય લેવાયો છે.
આશ્રમની સામે રહેતા અરવિંદભાઈ મિસ્ત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આસપાસના રહીશો, ભક્તજનો અને સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા લોકોએ વર્ષોથી બંધ પડેલા આ આશ્રમને પુનર્જીવિત કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
હાલર રોડ ભગિની સમાજની ગલીમાં આવેલ આ આશ્રમ, જેને લોકો “બાલમંદિર” તરીકે પણ ઓળખે છે, તેનો ઈતિહાસ લગભગ નવ દાયકાનો છે. માહિતી મુજબ હરિદ્વાર નિવાસી પરમહંસ સંત શ્રી સ્વામી હરિપ્રસાદજીએ ૧૯૩૬માં આ આશ્રમની સ્થાપના કરી હતી.
પોતે સંન્યાસી હોવાથી પોતાના નામે મિલકત રાખવા માંગતા ન હોવાથી તેમણે ટ્રસ્ટ બનાવી આ જમીન અને આશ્રમ ટ્રસ્ટને અર્પણ કર્યો હતો. પોતાના વિલમાં પણ તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે આ મિલકતનો ઉપયોગ માત્ર સનાતન ધર્મના પ્રચાર, વેદ-વેદાંત, ઉપનિષદ, છંદો અને ધાર્મિક બોધ માટે જ થવો જોઈએ, અન્ય કોઈ હેતુ માટે નહીં.

એક સમય એવો હતો જ્યારે આ આશ્રમમાં વહેલી સવારે સંસ્કૃતના મંત્રોચ્ચાર અને શ્લોકોના સ્વર ગુંજતા હતા. હરિદ્વાર અને નાસિક તરફથી આવતા સાધુ-સંતો અહીં રોકાતા, પ્રખ્યાત કથાકારોના ધાર્મિક પ્રવચનો યોજાતા અને શ્રાવણ માસ દરમિયાન ભજન-કીર્તનથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક માહોલમાં તરબતર થઈ જતો. અહીં ભગવાન વેદ વ્યાસજીની પ્રતિમા પણ સ્થાપિત છે.
આ આશ્રમ માત્ર ધાર્મિક કેન્દ્ર નહોતું, પરંતુ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ પ્રેરણાસ્ત્રોત રહ્યું હતું. અહીં ચાલતા બાળમંદિરમાંથી વલસાડના અનેક જાણીતા ડોક્ટરો, એન્જિનિયરો, બિલ્ડરો અને વકીલો પ્રાથમિક શિક્ષણ મેળવી આગળ વધ્યા હોવાનું પણ બેઠકમાં યાદ કરાયું હતું.
બેઠકમાં ઉપસ્થિત લોકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કરોડોની આ ઐતિહાસિક અને ધાર્મિક મિલકતને ખંડેર બનવા દેવાને બદલે ફરીથી વૈદિક શિક્ષણ, સંસ્કાર, ધાર્મિક પ્રવચન, સંસ્કૃત પાઠશાળા અને સનાતન ધર્મના પ્રચાર માટે કાર્યરત કરવી સમયની માંગ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વ્યાપક જનઆંદોલન ઉભું કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

લગભગ ૮ કરોડની આ મિલકત અગાઉ વેચી દેવાઈ હતી!
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે થોડા વર્ષો પહેલા ટ્રસ્ટીઓ દ્વારા આશ્રમની મિલકત વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સજાગ રહીશો અને ભક્તજનોએ વિરોધ નોંધાવી મામલો સંયુક્ત ચેરીટી કમિશનર, સુરત સમક્ષ પહોંચાડ્યો હતો. અંતે કોર્ટના આદેશથી વેચાણ પ્રક્રિયા અટકાવવામાં આવી અને લેવાયેલા ચેક પણ પરત કરવા પડ્યા હતા.

ઉધઈના રાફડા આજુબાજુના ઘરોમાં પહોંચી ગયા છે.
હાલ આશ્રમની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે. વર્ષોથી યોગ્ય દેખરેખ અને સફાઈ ન થતાં મકાનની છત તૂટવાની હાલતમાં પહોંચી ગઈ છે, જ્યારે અંદર ઉધઈના રાફડા ફાટી નીકળતાં આસપાસના ઘરોના ફર્નિચરને પણ નુકસાન થતું હોવાનું રહીશોએ જણાવ્યું હતું. અંદરનો કચરો પણ સફાઈ ન થતા ચોમાસામાં ભારે ગંદકીની પરિસ્થિતિ સર્જાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!