વલસાડમાં પાંચમો મીડિયા એવોર્ડ સમારોહ યોજાયો: આપણા વિસ્તારમાં હેટ (નફરતવાળુ) જર્નાલિઝમ નથી જે બિરદાવવા લાયક છે: મંત્રી કનુભાઈ દેસાઈ

વલસાડ
વલસાડના પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના વશીયર ખાતે આવેલા શાંતિવન રિસોર્ટના બેન્કવેટ હોલમાં દક્ષિણ ગુજરાતના મીડિયા કર્મીઓનો ‘‘મીડિયા એવોર્ડ સમારંભ’’ યોજાયો હતો.

મીડિયા કર્મીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આયોજિત મીડિયા એવોર્ડ સમારંભ તથા વલસાડના વ્યક્તિ વિશેષના સન્માન સમારંભને સંબોધતા નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ એવોર્ડ સમારોહ મીડિયા મિત્રોનો સ્નેહમિલન સમારોહ છે, જે દક્ષિણ ગુજરાતના મીડિયા મિત્રોના સારા સંસ્કારના દર્શન કરાવે છે. પત્રકારો સરકાર સુધી સાચી માહિતી પહોંચાડે છે જેથી તંત્ર જાગતુ રહે છે.

પોઝિટિવ પત્રકારત્વથી હંમેશા સમાજને ફાયદો થાય છે. ઘણીવાર મીડિયા મારફતે સરકારને સચોટ માહિતી મળતી હોય છે. આપણા વિસ્તારમાં હેટ (નફરતવાળુ) જર્નાલિઝમ નથી જે બિરદાવવા લાયક છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મીડિયા જગત સાથે સહજ રીતે વર્તી દેશ અને રાજ્યનો વિકાસ કરી રહ્યા છે.

વલસાડ-ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલે પત્રકારોને વંદન કરતા જણાવ્યું કે, લોકશાહીના ચાર સ્તંભ પૈકી ચોથો સ્તંભ પત્રકારો છે. જો ત્રણમાંથી કોઈ એક સ્તંભની સિસ્ટમમાં કોઈ ભૂલ હોય તો ચોથો સ્તંભ તેને ઉજાગર કરી લોકો સુધી પહોંચાડે છે. પત્રકાર માત્ર સમાચાર નથી આપતા પણ સમાજનો અવાજ રજૂ કરે છે, લોકોને જાગૃત કરે છે, જે પોતાની વાત રજૂ નથી કરી શકતા તેઓની વાત રજૂ કરે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ સ્પષ્ટ અભિગમ છે કે, પત્રકારો નેગેટીવ બતાવે તો ખોટુ ન લગાડવુ પરંતુ પોઝિટિવ ફીડબેક તરીકે લઈ કામ કરી આગળ વધવુ જોઈએ.

વધુમાં સાંસદશ્રીએ મીડિયા દ્વારા મળેલી કેટલીક માહિતીનો ઉલ્લેખ કરી પોઝિટિવ જર્નાલિઝમ અંગે જણાવ્યું કે, આપણા વિસ્તારની ખ્યાતનામ હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળે તે માટે પત્રકારોએ ઝીણવટપૂર્વક મને માહિતી આપતા લોકસભામાં રજૂ કર્યો હતો અને હવે કાર્યવાહી ચાલી રહી છે. આ સિવાય નેપાળમાં ફસાયેલા પારડી પરિવારને તેમજ હાલમાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકાના યુધ્ધ વચ્ચે વલસાડ- નવસારી જિલ્લાના ૭૧ માછીમારો ઈરાનમાં ફસાયા હોવાની માહિતી મીડિયા દ્વારા મળતા તેઓને વતન લાવવામાં સફળતા મળી હતી. આ તમામ કિસ્સામાં પત્રકારોની જાગૃત્તતા બિરદાવવાને પાત્ર છે.

વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ગુજરાત સંગઠનના પ્રદેશમંત્રી સોનલબેન સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ સમારંભમાં દક્ષિણ ગુજરાતમાંથી મીડિયા કર્મીઓની ૩૦૦ જેટલી એન્ટ્રી આવી હતી. કુલ ૭ વિવિધ કેટેગરીમાં ૫૬થી વધુ મીડિયા કર્મીઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ સિવાય ચાર કોલમીસ્ટ, બે વ્યકિત વિશેષ અને બે સેવાભાવી સંસ્થાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, મામલતદાર (સિટી) તૃપ્તી ગામીત, જિલ્લા પંચાયતની પારડી સાંઢપોર બેઠકના સભ્ય સ્નેહલ પટેલ, અગ્રણી આનંદ પટેલ, બિલ્ડર એસો.ના પ્રમુખ અશોક મંગે, પારડી સાંઢપોરના સરપંચશ્રી ધર્મેશ (ભોલા) પટેલ અને જિલ્લા સંગઠનના માજી ઉપપ્રમુખ જીતેશ પટેલ સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન એસો.ના પ્રમુખશ્રી હર્ષદ આહિરે કર્યુ હતું.

સમારંભની રૂપરેખા પ્રોજેક્ટ ચેરમેનશ્રી અપૂર્વ પારેખે આપી હતી. જ્યારે આભારવિધિ વરિષ્ઠ પત્રકારશ્રી બ્રિજેશ શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગોદડુંગરી પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ડો.ખુશાલી ભંડારીએ કર્યુ હતું.

પત્રકારની સાથે સારા માણસ કેવી રીતે બનીએ તે રોજ વિચારવુ જોઈએ: પ્રશાંત દયાળ

સમારંભના મુખ્ય મહેમાન અને નવજીવન ન્યૂઝના એડિટર તેમજ વરિષ્ઠ પત્રકારશ્રી પ્રશાંત દયાળે જણાવ્યું કે, આપણે સારા પત્રકારની સાથે સારા માણસ કેવી રીતે બનીએ તે રોજ વિચારવુ જોઈએ. કોઈ કૌભાંડ પકડવાને બદલે કોઈને હોસ્પિટલમાં સારવાર કે કોઈને સ્કૂલમાં એડમિશન મળે તેવા સેવાકીય કાર્યો કરવાની જરૂર છે પરંતુ આજે આપણે સમાચારની હરીફાઈમાં જીવી રહ્યા છે. જેના કારણે મીડિયા જગત આજે વિશ્વસનીયતા ગુમાવી રહ્યુ છે જે ચિંતાનો વિષય છે. પહેલાના સમયમાં એવુ હતુ કે, પેપરમાં જે સમાચાર આવે તે ધાર્મિક ગ્રંથો જેટલા પવિત્ર માનવામાં આવતા હતા, ખરેખર આપણે આત્મમંથન કરવાની જરૂર છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી દયાળે એવોર્ડ મેળવનાર પત્રકારોને શીખ આપતા જણાવ્યું કે, આ એવોર્ડ એ માત્ર એવોર્ડ નથી પરંતુ એક જવાબદારી છે જેનું વહન કરવાની જવાબદારી તમારી છે. આપણા મનમાં કોઈના પ્રત્યે રહેલી કડવાશ કે પ્રેમ સમાચારમાં ક્યારેય આવવા જોઈએ નહી. દરેક વખતે દરેક ઘટના સમાચાર હોતી નથી. દેશને સંકટમાંથી ઉગારવાનું કામ પત્રકારોએ કરવાનું છે. વધુમાં શ્રી દયાળે એવોર્ડ સમારંભના આયોજકોને સફળ પત્રકારની સફળતા પાછળ જવાબદાર માતા અથવા પત્નીનું પણ સન્માન કરવુ જોઈએ એવી સલાહ આપી હતી.

વલસાડમાં પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે કોણે એવોર્ડ મેળવ્યા?

બેસ્ટ હ્યુમન સ્ટોરી માટે હસીન શેખ અને નિમેષ પટેલ વિજેતા બન્યા છે. બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી માટે ઉત્પલ દેસાઇ અને કેતન ભટ્ટને એવોર્ડ એનાયત થયો છે. બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી માટે મેહુલ પટેલ અને ઉત્પલ દેસાઇની પસંદગી કરવામાં આવી છે. પોઝિટીવ સ્ટોરીની વાત કરીએ તો તેમાં બેસ્ટ પોઝિટીવ સ્ટોરીના વિજેતા ભરત પાટીલ અને રફિક શેખ જાહેર થયા છે.

સોફ્ટ સ્ટોરી કેટેગરીમાં ફિરોઝ સિંધી અને શ્યામજી મિશ્રાને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ સિવિક સ્ટોરીમાં પલ્લવ શાહ અને નીતિન પટેલ વિજેતા રહ્યા છે. હટકે સ્ટોરી એટલે કે કંઈક અલગ અહેવાલ માટે મેહુલ પટેલ, કેતન ભટ્ટ અને ઉજ્વલ પટેલની પસંદગી કરવામાં આવી છે. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં બેસ્ટ ફોટો માટે હિમાંશુ પંડ્યા અને સુમન પટેલ વિજેતા જાહેર થયા છે. આ ઉપરાંત ગત વર્ષ 2025ના શ્રેષ્ઠ અહેવાલો માટે યોગેન્દ્ર પટેલ, સુમન પટેલ, રાજેશ યાદવ, બાબુ ચૌધરી અને મેહુલ પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાત પ્રિન્ટ મીડિયામાં કોને એવોર્ડ મળ્યા?

બેસ્ટ હ્યુમન સ્ટોરી કેટેગરીમાં રત્નાકર દુષાણે, સોમનાથ પવાર અને જઇન્દ પવાર, બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીમાં સોમનાથ પવાર, હરેન્‍દ્રસિંહ બારડ, બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરીમાં પાંડુ ચૌધરી તથા પ્રણવસિંહ પરમાર અને રાજેન્‍દ્રસિંહ પરમાર વિજેતા બન્યા હતા.
બેસ્ટ પોઝિટિવ સ્ટોરીમાં વિમલસિંહ ઠાકોર, બેસ્ટ સિવિક સ્ટોરીમાં ચંદ્રકાંત ધમલ, જીજ્ઞેશ પટેલ, હટકે સ્ટોરીમાં જીતેન્દ્ર પરમાર તથા સુનિલ ડાભી વિજેતા જાહેર થયા હતા.

બેસ્ટ ફોટો કેટેગરીમાં હરેન્‍દ્રસિંહ બારડ, હિતેશ માહ્યવંશી, રાજુ પટેલ અને દીપક શર્માને એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ સોફ્ટ સ્ટોરીમાં પરેશ અધ્વયુ, બેસ્ટ હ્યુમન ટચ સ્ટોરીમાં અમિત મૈસુરિયા, બેસ્ટ પોઝિટિવ સ્ટોરીમાં ચંદ્રકાંત સોલંકી તથા બેસ્ટ સોફ્ટ સ્ટોરીમાં ચેતન પટેલ અને તુલસીદાસ વૈષ્ણવ વિજેતા બન્યા હતા.

વલસાડ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોણે બાજી મારી?

બેસ્ટ હ્યુમન સ્ટોરી કેટેગરીમાં પ્રિયાંક પટેલને સોફ્ટ સ્ટોરી એવોર્ડ તેમજ અક્ષય કદમને માનવ સંવેદનાઓને ઉજાગર કરતી સ્ટોરી માટે એવોર્ડ એનાયત કરાયા હતા.

બેસ્ટ ઇન્વેસ્ટીગેટિવ સ્ટોરી કેટેગરીમાં કૌશિક જોશીને સિરિયલ કિલર કેસના ખુલાસા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે દિશા દેસાઈને ભ્રષ્ટાચાર, પ્રજાના નાણાંના બગાડ અને પ્રભાવશાળી ઇમ્પેક્ટ સ્ટોરી માટે એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી કેટેગરીમાં ડો. બ્રિજેશ શાહને પર્યાવરણ, કુદરતી સૌંદર્ય, જાહેર બેદરકારી અને નેશનલ હાઈવે મુદ્દાઓને ઉજાગર કરતી સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ પોઝિટિવ સ્ટોરી કેટેગરીમાં યશરાજ ઠાકુરને મહિલાની સિદ્ધિ અને સિવિક સમસ્યાઓને ઉજાગર કરતી સ્ટોરી માટે એવોર્ડ મળ્યો હતો, જ્યારે પૂજા ભીંડેને ડિજિટલ ગામની અનોખી રજૂઆત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બેસ્ટ સોફ્ટ સ્ટોરી કેટેગરીમાં જય વૈદ્યને રામભક્તોની યાત્રા અને બ્લાઈન્ડ ક્રિકેટરોની પરિસ્થિતિ દર્શાવતી માનવ સંવેદનાની સ્ટોરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચેતન મહેતાને ગુમ બાળકોને શોધી કાઢવાના અભિયાન અને ઝેરી સાપને સીપીઆર આપતી યુનિક સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

હટકે સ્ટોરી કેટેગરીમાં કુલદીપ રાજપૂતને અનોખી ઘટનાની રજૂઆત બદલ એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ વિડિયો ફૂટેજ કેટેગરીમાં મયુર જોશીને પૂરની પરિસ્થિતિ અને ગાંધી લાયબ્રેરી મુદ્દે કરાયેલા ઇન્વેસ્ટીગેટિવ અહેવાલ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિવિક ઈશ્યુ કેટેગરીમાં રાજેશ પાવસકરને ઉમરગામની આરોગ્ય વ્યવસ્થા અંગેની સ્ટોરી માટે અને જગદીશ બોન્ગેને ચોમાસામાં નદી પાર કરવાની જોખમી પરિસ્થિતિ દર્શાવતી સ્ટોરી માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાત ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોને એવોર્ડ મળ્યા?

બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી કેટેગરીમાં નવસારીના નીલેશ ગામીતને “નવસારી શહેરમાં પૂરના છાતી સુધીના પાણીમાં રિપોર્ટિંગ” સ્ટોરી માટે એવોર્ડ મળ્યો છે. જ્યારે BBC ગુજરાતી સાથે જોડાયેલા સુરતના શીતલ પટેલને “પલસાણામાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ” અને દક્ષિણ ગુજરાતમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવવાના સામાન અંગેની તપાસાત્મક સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

બેસ્ટ પોઝિટિવ સ્ટોરી કેટેગરીમાં ગુજરાત ફર્સ્ટના નવસારીના સ્નેહલ પટેલને પ્રાથમિક શાળાની શિક્ષિકાના નવતર પ્રયોગ અને વિદ્યાર્થીઓની બીક દૂર કરવા માટે વાંસદાની શાળાની ન્યૂઝ ચેનલ અંગેની સ્ટોરી માટે એવોર્ડ એનાયત થયો છે. તે ઉપરાંત DD News ગુજરાતી ના નવસારીના રાજેશ રાણાને “સેન્સરવાળા યુનિક ચશ્મા” બનાવી ડ્રાઇવરને ઊંઘ આવે તો એલાર્મ વાગે તેવી નવીન શોધ અંગેની સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

બેસ્ટ સોફ્ટ સ્ટોરી કેટેગરીમાં BBC ગુજરાતી ના તાપીના નીરવ કંસારા ને “6 થી 7 ફૂટ ગળાડૂબ પાણીમાં ખેડૂતો અનાજ કેવી રીતે ઉગાડે છે?” જેવી અનોખી ખેતી આધારિત સ્ટોરી માટે એવોર્ડ મળ્યો છે. જ્યારે DD News ગુજરાતી ના આહવાના મુનીરા શેખને ડાંગમાં દિવાળી દરમિયાન વર્ષોથી ચાલતી ગાદી પૂજાની પરંપરા અંગેની સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

હટકે સ્ટોરી (કંઈક અલગ) કેટેગરીમાં DD News ગુજરાતી ની આહવાના યોગિતા પટેલને “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત મહિલાઓને ડાકણ જાહેર કરવાની પ્રથા સામે ડાંગ પોલીસની અનોખી કામગીરી તથા પ્રાકૃતિક ખેતી આધારિત વિશેષ સ્ટોરી માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
યુનિક સ્ટોરી કેટેગરીમાં નીરવ કંસારાને ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ વચ્ચે આવેલા અનોખા ઘરની સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સોફ્ટ સ્ટોરીમાં મુનિરા શેખને મહિલા મિકેનિકની પ્રેરણાદાયી રજૂઆત બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!