ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની પ્રતિભાશાળી બાળકી જયવી ભાનુશાલીએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તા. 16 થી 22 મે 2026 દરમિયાન મહારાષ્ટ્રના Netaji Subhash Chandra Bose Boys Military School and Junior College ખાતે યોજાયેલ 4th Kudo National Championship Cup 2026-27 ટુર્નામેન્ટમાં જયવી ભાનુશાલીએ અન્ડર 11 વર્ષ (U-11 Years) અને -33 કિલો વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું આયોજન Kudo India ના ફાઉન્ડર હેન્સી શ્રી મેહુલ વોરા અને રેન્સી શ્રી વિસ્પી ખરાડી દ્વારા કરવામાં આવ્યું હતું.

જયવી ભાનુશાલી માટે આ સિદ્ધિ વધુ ખાસ એ કારણે બની છે કે તેણે સતત ચોથા વર્ષે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. તેની આ અવિરત સફળતાએ વલસાડ શહેર તેમજ ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ બનાવ્યું છે.
આ વર્ષે ગુજરાત રાજ્યએ કુલ 75 મેડલ સાથે સમગ્ર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જે રાજ્યના ખેલાડીઓ માટે ગૌરવની બાબત બની છે.
જયવી છેલ્લા ત્રણ વર્ષથી વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડી.એમ.ડી.જી. સ્કૂલ, સરદાર માર્કેટ ખાતે માર્શલ આર્ટ્સની તાલીમ લઈ રહી છે. તેને સેન્સેય શ્રી તરુણ ઢિમ્મર અને સેન્સેય શ્રી મયુર વનેયાથી તાલીમ મળી રહી છે, જ્યારે રેન્સી શ્રી વિસ્પી ખરાડીના માર્ગદર્શન હેઠળ તે સતત પોતાની કુશળતા નિખારી રહી છે.
જયવીની આ સિદ્ધિને લઈને વલસાડ શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે તથા વિવિધ વર્ગોમાંથી તેને અભિનંદનો મળી રહ્યા છે.
