વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિ અને હોળી-ધૂળેટીની ઉજવણીને અનુલક્ષીને પ્રતિબંધાત્મક જાહેરનામું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી મહાશિવરાત્રિ તેમજ હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી એ. આર. જહાએ તા. ૦૪ માર્ચ, ૨૦૨૪ સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, સ્ફોટક પદાર્થ લઈ જવાની, કોઈપણ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાની ફરજ હોય કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઈપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોઈ તેવી વ્યક્તિ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિ અને સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ના મુંબઈ પોલીસ અધિનિયમ (સને-૧૯૫૧ના ૨૨માં)ના કાયદાની કલમ-૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!