રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨પમી જન્‍મજયંતિ અવસરે સંસ્‍કાર કેન્‍દ્ર વલસાડ ખાતે ‘કસુંબીનો રંગ’ ઉત્‍સવ યોજાયો

વલસાડ: રમતગમત યુવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, શિક્ષણ તેમજ જિલ્લા વહીવટી તંત્ર વલસાડના સયુંકત ઉપક્રમે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨પ મી જન્‍મ જયંતિની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ સંસ્‍કાર કેન્‍દ્ર, કોલેજ કેમ્‍પસ, વલસાડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમખ અલ્‍કાબેન શાહે ઝવેરચંદ મેઘાણીને નમન કરતાં જણાવ્‍યું હતું કે, કસુંબીનો રંગ સાંભળતાં જ ઝવેરચંદ મેઘાણીની સ્‍મૃતિ થઇ જાય છે. તેમની ૧૨પમી જન્‍મજયંતિની ઉજવણી કરી રાજ્‍ય સરકારે સાહિત્‍ય સંસ્‍કૃતિને ઉજાગર કરી છે, જેના થકી આજની પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે. એમના સર્જનમાં વતન પ્રેમ જોવા મળે છે, પત્રકારત્‍વ એમના જીવનમાં મહત્ત્વનું પાસું રહયું છે. તેઓ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્‍યના સંશોધક, સંપાદક, વિવેચક, અને અનુવાદક હતા. સાથે તેઓ એક સમાજ સુધારક, અને સ્‍વાતંત્ર્ય સેનાની પણ હતા. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્‍ટ્રીય શાયરના બિરુદથી નવાજ્‍યા હતા. મેઘાણીજીએ ચાર નાટક ગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તુલસી ક્‍યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્‍ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનુ નોંધપાત્ર સર્જન છે. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહે ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા, અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦મા ઝવેરચંદજીને બે વર્ષ માટે જેલમા પણ રહેવું પડયું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્‍યની રચના કરી હતી.
સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય ડો.વી.એસ.પુરાણીએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન દર્શાવતી ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મ દર્શાવવામાં આવી હતી. વલસાડના ઉત્‍કૃષ્‍ઠ કલાકારોએ ગુજરાતની ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરતા ગુજરાતના મૂર્ધન્‍ય સાહિત્‍યકાર ઝવેરચંદ મેઘાણી રચિત યાદગાર ગીતોને રજૂ કર્યા હતા. જેમાં વલસાડ જિલ્લાનું કલા શિક્ષકવૃંદ નિલેશભાઈ પટેલ, શૈલેષભાઇ પટેલ, તન્‍વીબેન પટેલ, રિમાબેન દાદાવાલા, હિતેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, બીરેનભાઈ, જે.પી શ્રોફ આર્ટ્‍સ કોલેજનું ગાયકવૃંદના પ્રો.સોનલબેન સરાવીયા, પ્રો.જાગૃતિબેન પટેલ, તેમજ વિદ્યાર્થીનીઓ આસ્‍થા મહેતા, શૃતિ ચાંપાનેરી, રિદ્ધિ પટેલ, સરસ્‍વતી રાઠોડ, ઢોલક-પ્રકાશ મકવાણા, ઝાંઝ-આકાશ ગરાણિયા અને હાર્મોનિયમ-આસ્‍થા મહેતાનો સમાવેશ થાય છે.
રાષ્‍ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ મી જન્‍મ જયંતિ નિમિત્તે સરકારી જીલ્લા પુસ્‍તકાલય વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ, સાર્વજનિક તાલુકા પુસ્‍તકાલય કપરાડા અને વાપીને રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક ગ્રંથાલય ખાતા દ્વારા – કસુંબીનો રંગ – ઉત્‍સવની ઉજવણી પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે મેઘાણીજી દ્વારા રચિત અને સંપાદિત ૮૦ પુસ્‍તકોના સેટના વિતરણ પૈકી ટોકન સ્‍વરૂપે ૬ પુસ્‍તકો વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં આ પ્રસંગે સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્‍યો સર્વે કનુભાઇ દેસાઇ અને ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે સહિત વલસાડની વિવિધ કોલેજો, માધ્‍યમિક-ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના આચાર્યો સાહિત્‍યપ્રેમીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!