ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અરનાલા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી અંકુરભાઈ પ્રજાપતિ, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી જયશ્રીબેન ટંડેલ , ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર કમ રિસોર્સ પર્સન ધર્મેશભાઈ પટેલ અને ગ્રામ સેવક દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી.
તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમુત્રથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે, જેમાં ઉપયોગી દેશી ગાયના ગોબર – ગૌમૂત્ર સાથે બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રમાણમાં ઓછા ખર્ચાળ હોય છે તેની વિરુદ્ધ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં લાભકારી જીવોનો ક્ષય થાય છે. જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા લાભકારી જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે. આ ઉપરાંત વાતાવરણમાંથી નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે. તે અંગે ખેડૂતોને સમજણ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરાયું હતું.
-૦૦૦-
