ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “નેશન ફર્સ્ટ” આહવાન તથા કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રીશ્રી મનસુખ માંડવિયાના “સન્ડેઝ ઓન સાયકલ” અભિયાનના અનુસંધાને મેરા યુવા ભારત (MY Bharat), વલસાડ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાયકલ રેલી વલસાડ સર્કિટ હાઉસથી પ્રારંભ થઈ તિથલ બીચ સુધી નીકળી હતી. રેલીનો મુખ્ય હેતુ યુવાનો અને નાગરિકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી, શારીરિક તંદુરસ્તી, પર્યાવરણ સંરક્ષણ અને સક્રિય નાગરિકતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાયકલચાલકો, યુવા સ્વયંસેવકો અને સ્વાસ્થ્ય પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.

વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ કે. પટેલ સ્વયં સાયકલ રેલીમાં જોડાયા હતા અને ઉપસ્થિત સહભાગીઓને સંબોધિત કર્યા હતા. તેમણે યુવાનોમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવા માટે MY Bharat વલસાડ દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની પ્રશંસા કરી હતી તેમજ નાગરિકોને સાયકલિંગ દ્વારા સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે MY Bharat વલસાડના જિલ્લા યુવા અધિકારીશ્રી આયુષ ચૌધરી એ તમામ સહભાગી અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ફિટ ઇન્ડિયા અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડતા યુવાનોને પ્રધાનમંત્રીશ્રીના “નેશન ફર્સ્ટ” સંકલ્પને સાકાર કરવા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત આગેવાનો અને સાયકલિંગ પ્રોત્સાહકોની ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડૉ. કલ્પેશ જોષી, નિતેશ પટેલ, ડૉ. નિલેશ તાલેકર, શિક્ષક પિયુષ ટંડેલ, સંકેત પટેલ તથા નેચર કલબ વલસાડના પ્રિતેશ પટેલનો સમાવેશ થાય છે.
કાર્યક્રમના સફળ આયોજન અને સુચારુ સંકલનમાં MY Bharat વલસાડના સ્વયંસેવકો હેતલ ઘનશ્યામ શર્મા, અદિતિ પટેલ, મીત પટેલ, નિમેષ સેવક, ગણપત રાઠોડ અને આકાશ પાંડે એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
