દક્ષિણ ગુજરાત બોરવેલ એસો.ના પ્રમુખપદે ચીખલીના મયુર કંટારીયાની વરણી

વલસાડ
ડીઝલના ભાવવધારાંને કારણે પાણીનો બોર કરાવવાની ખેડૂતોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે. આ અંગેની ગતરોજ વલસાડ ખાતે યોજાયેલી બોરવેલ માલિકોની બેઠકમાં દક્ષિણ ગુજરાત બોરવેલ એસોસિએશન ની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે મયુરભાઈ કંટારીયાની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

છેલ્લા ઘણા સમયથી ડીઝલના થઇ રહેલા ભાવ વધારાને કારણે બોરવેલ ઉદ્યોગને પણ માઠી અસર પહોંચી છે.  બોરવેલની ગાડીઓના કોમ્પ્રેસરમાં મોટા જથ્થામાં ડીઝલનો ઉપયોગ થાય છે. ડીઝલના અતિશય ભાવ વધારાને કારણે સિંચાઇ અને પીવાના પાણીના બોરના ભાવ વધે તેવી શક્યતાઓને પગલે ખેડૂતોને પણ નુકસાન ન જાય અને બોરવેલ માલિકોને પણ નુકસાન ન જાય તે રીતે વચ્ચેનો રસ્તો કાઢવા માટે ગતરોજ વલસાડ અબ્રામા સ્થિત સ્વાદ હોટેલ ખાતે દક્ષિણ ગુજરાતના 100 જેટલા બોરવેલ ગાડીના માલિકો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ભાવ વધારા બાબતે નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં ઓલ ઇન્ડિયા બોરવેલ એસોસિયેશનના ઉપપ્રમુખ અને ગુજરાત બોરવેલ એસોસિએશનના પ્રમુખ વિનોદ રૈયાણી તથા ઉપપ્રમુખ પ્રફુલભાઈ ડોડીયા અને કમિટી તથા સુરત જિલ્લા બોરવેલ એસોસીએશનની કમિટી હાજર રહી હતી.

આ બેઠકમાં દક્ષિણ ગુજરાત બોરવેલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચીખલીના મયુરભાઈ કંટારીયા, ઉપ-પ્રમુખ તરીકે વલસાડના ભોલાભાઈ વાડોદરિયા અને ખજાનચી તરીકે વલસાડના રમેશભાઈ કંટારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કમીટી મેમ્બર તરીકે પરેશ રામાણી, વિજય ભંડેરી, રેનીસ કારાવડીયા, મેહુલભાઈ વાપી, લલીતભાઈ વલસા,ડ જયેશભાઈ વાંસદા, ચિરાગભાઈ કંટારીયા, અજયભાઇ ધરમપુર અને દિનેશભાઈ પારડીની સર્વાનુમતે નિમણુંક કરાઇ હતી. નવા રચાયેલા દક્ષિણ ગુજરાત બોરવેલ એસોસિએશનમાં સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!