વલસાડમાં અનેક ગણેશ મંડળોએ દેખાદેખીથી દૂર રહી સમાજ હિતને સર્વોપરી રાખી અનોખી રીતે ઉજવ્યો ગણેશોત્સવ: ભક્તિ અને પરંપરાની સાથે સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ અને જલવાયુ પરિવર્તન અંગે જાગૃતિ ફેલાવી

ગુજરાત એલર્ટ | વલસાડ
ગણેશ મહોત્સવ શ્રદ્ધા અને આસ્થા સાથે પરસ્પર ભાઈચારો તથા ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના કેળવવાનો પર્વ છે. જોકે, એકબીજાની દેખાદેખીમાં થતી ઉજવણી વચ્ચે લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આપેલો સાર્વજનિક ગણેશોત્સવનો મૂળ ઉદ્દેશ્ય ક્યાંક વિસરાતો જાય છે. પરંતુ વલસાડમાં એવા કેટલાક મંડળો છે કે, જેઓ અન્ય મંડળના દેખાડાથી દૂર રહી સમાજને ઉપયોગી થાય તે રીતે ગણેશ મહોત્સવ ઉજવી અન્ય મંડળોને પણ પ્રેરણા આપી રહ્યા છે. આ મંડળોને ‘આરંભ યુનાઇટ ભારત’ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. આ મંડળોએ ગણેશોત્સવને ભક્તિ અને પરંપરાની સાથે સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ તથા જલવાયુ પરિવર્તન અંગેની જાગૃતિ સાથે જોડવાનો પ્રસંશનીય પ્રયાસ કર્યો છે.

લોકમાન્ય બાલ ગંગાધર તિલકે સાર્વજનિક ગણેશોત્સવને સમાજને એકત્રિત કરવા અને સામૂહિક ઉદ્દેશ્ય માટે લોકોને જોડવાના માધ્યમ તરીકે આગળ વધાર્યો હતો. આજે જલવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વિવિધ સામાજિક પડકારો વચ્ચે ગણેશોત્સવને ભક્તિ અને પરંપરા સાથે સમાજસેવા તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે જોડવાનો પ્રયાસ સમયની જરૂરિયાત છે. પીઓપીની મૂર્તિના કારણે નદી અને સમુદ્રમાં પ્રદૂષણ વધી રહ્યુ છે સાથે જીવ સૃષ્ટિ ઉપર પણ સંકટ તોળાઈ છે. આ વર્ષે પણ મોટા કદની પીઓપીની મૂર્તિ વિસર્જન બાદ ક્ષત વિક્ષત હાલતમાં જોવા મળતા ભકતોની લાગણી દુભાઈ રહી છે. ત્યારે વલસાડમાં એવા પણ ગણેશ મંડળ છે કે, જેઓ દેખાદેખીથી પર રહી સમાજ હિતને સર્વોપરી માની નવી પહેલ કરી છે. જેમાં (૧) મિલર ગ્રુપ (હાલરના દાદા) દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણને અનુકૂળ માટીની ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. (૨) શ્રી બાલ યુવક મંડળ, રામવાડીના લાડલા દ્વારા DJ વગર ગણેશોત્સવની ઉજવણી સાથે લોકોમાં આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. (૩) નવ યુવક મંડળ, ભગત મહોલ્લા દ્વારા DJ વગરની ઉજવણી કરવામાં આવી છે. સાથે અગાઉના વર્ષ કરતાં ગણેશ પ્રતિમાની ઊંચાઈમાં ૧૦ ફૂટનો ઘટાડો કરીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. (૪) એકતા યુવક મંડળ, રાજનનગર દ્વારા ટિશ્યૂ પેપરથી ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી અને વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. (૫) શ્રી વાવડી ગણેશ મહોત્સવ અને શ્રી નાની છીપવાડ મંડળ દ્વારા આશરે 3 ફૂટની ગણેશ પ્રતિમા સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. (૬) હનુમાન ભજન અને સેવા મંડળ દ્વારા આશરે ૫ ફૂટની ગણેશ પ્રતિમા સાથે રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. (૭) કર્મભૂમિ હાઇટ્સ હાઉસિંગ સોસાયટી દ્વારા સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગની પહેલ હાથ ધરીને પાણીનો બગાડ ઘટાડવા અને પાણીના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. (૮) સ્વસ્તિક યુવક ક્લબ, સુરત દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશ પ્રતિમા, DJ વગરની ઉજવણી અને કૃત્રિમ કુંડમાં વિસર્જન જેવી પહેલ કરવામાં આવી હતી.

આ તમામ પહેલો દર્શાવે છે કે, ગણેશોત્સવ માત્ર ભક્તિ અને આનંદનો પર્વ જ નહીં, પરંતુ સમાજસેવા, જલવાયુ પરિવર્તન અંગે જાગૃતિ તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક જવાબદારી નિભાવવાનું એક સુંદર માધ્યમ પણ બની શકે છે.
‘આરંભ યુનાઇટ ભારત’ના સ્થાપક મેહુલ દેશમુખે શહેરના અનેક ગણેશ મંડળોમાં જઈ લોકોને પર્યાવરણને અનુરૂપ ગણેશોત્સવ ઉજવવાની સમજ આપી અને જે લોકો ઘણા વર્ષથી સાદગીથી ખરા અર્થમાં ગણેશ મહોત્સવ ઉજવે છે તેમને બિરદાવીને સન્માન પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, મારો પ્રયાસ છે કે, દેશભરના ગણેશ મંડળો આ વિચાર સાથે જોડાય અને લોકમાન્ય તિલકની એકતા તથા સામૂહિક ઉદ્દેશ્યની ભાવનાને આજના સમયની જરૂરિયાતો સાથે આગળ વધારે. ધીમે ધીમે મંડળો જાગૃત થઈ રહ્યા છે ત્યારે આવતા વર્ષે મોટી સંખ્યામાં મંડળો સાત્વિક અને સાદગીસભર ગણેશોત્સવ ઉજવશે એવી આશા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!