ધરમપુરના આવધામાં સાકાર વાંચન કુટીરના સ્થાપના દિનની ઉજવણી

ગુજરાત એલર્ટ । વલસાડ
ધરમપુર તાલુકાના આવધા ગામમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તથા સાકાર વાંચન કુટીરના સ્થાપના દિન નિમિત્તે ધરમપુરના Rainbow warriors, આવધા ગ્રામ પંચાયત અને સાંઈ સેવા સહયોગ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીના સંચાલક મિતેષ પટેલે સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીની સફળતા વિશે ઝાંખી કરાવી હતી. એમણે જણાવ્યું કે, સાકાર વાંચન કુટીરનો લાભ લઇ ચાર જેટલા યુવા મિત્રોએ સરકારી નોકરી મેળવી છે. ડૉ. વિરેન્દ્ર ગરાસિયાએ સ્વામીજીના જીવન તથા કાર્યો વિશે માહિતી આપી વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. મરઘમાળ ગામના સરપંચ રજનીભાઈ પટેલે ગામના વિકાસમાં શિક્ષણના મહત્વ વિશે સમજ આપી હતી. જિલ્લા તિજોરી અધિકારી દિનેશભાઈ રાથડે વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેની વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા તિજોરી કચેરીના કર્મચારી નિમેષભાઈ ગાંવિતે ગરીબ વિદ્યાર્થીઓ માટે સમાજ માટે લાઈબ્રેરીના મહત્વ વિશે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા તથા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની નિષ્ફળતાની ચિંતા કર્યા વગર તૈયારી કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજેશ પટેલ, ખારવેલના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય રમીલાબેન ચૌધરી અને સુરેશ મોકાશી, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સભ્યો, યુનિટી ગ્રુપ વાંગણના સભ્યો, આવધા, મરઘમાળ, નાની ઢોલ ડુંગરીના યુવાનો, આગેવાનો, આવધાના ઉપસરપંચ નરેશભાઈ સાપટા, વિજયભાઈ દલવી, કમલેશભાઈ દળવી અને સાંઈ સેવા સહયોગ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગ્રામ પંચાયત આવધા, સાંઈ સેવા સહયોગ ગ્રુપ આવધા તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડિનેટર શંકર પટેલે કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!