ધનતેરસે વલસાડ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ધામધૂમથી ધન્વંતરી જયંતીની ઉજવણી કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વલસાડના ગાયત્રી પરિવારના સહયોગથી વલસાડના તિથલ રોડ પર સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ધનવંતરી જયંતી ઉજવણી કરવામાં આવી હતી.
ધનતેરસના પાવન પર્વ નિમિત્તે ધન્વંતરી જયંતીની ઉજવણીના મહત્વ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.ઉર્વી પટેલે ભગવાન ધન્વંતરીની ઉત્પત્તિ કથાનું સુંદર વર્ણન કરતા જણાવ્યું કે, પુરાણ કથા અનુસાર, સમુદ્ર મંથન સમયે આસો વદ તેરસના દિવસે ભગવાન વિષ્ણુના અંશ અવતાર તરીકે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. તેમના એક હાથમાં અમૃત કળશ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં ઔષધિ હતી. તેઓ દેવતાઓના વૈદ્ય છે અને આયુર્વેદના પ્રવર્તક છે. તેમના પ્રાગટ્યથી દેવતાઓને અમરત્વ પ્રાપ્ત થયું અને પૃથ્વી પર આયુર્વેદના જ્ઞાનનો પ્રકાશ ફેલાયો હતો.

આ કાર્યક્રમમાં તિથલ રોડ પર સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલના ઈ/ચા વૈદ્ય પંચકર્મ ડો.સુમિત પટેલ તથા જિલ્લાના તમામ આયુર્વેદ, હોમિયોપેથી મેડિકલ ઓફિસરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ અને સેવકગણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પંચકર્મ હોસ્પિટલનો તમામ સ્ટાફ, યોગ ઇન્સ્ટ્રક્ટર તથા દર્દીઓ પણ હાજર રહ્યા હતા અને સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૌને આયુર્વેદીય ઉકાળા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!