પત્રકાર જઈદ પવારનું વલસાડનાં સરોણમાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત: તેમની ગુમ કાર અંગે ઘૂંટાતું રહસ્ય

ગુજરાત એલર્ટ | વલસાડ
પત્રકારત્વ જગત માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહી વલસાડ, નવસારી સહિત વિવિધ વિસ્તારોમાં પોતાની પત્રકારત્વની સેવાઓ આપનાર અને હાલ ડાંગ જિલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા જઈદ પવારનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વલસાડના મોટી સરોણ મહાદેવ હોટલ પાસે પોતાના ઘર નજીક નેશનલ હાઇવે નં. 48 પર અજાણ્યા વાહનની અડફેટે આવતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં સમગ્ર પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ ડાંગ જિલ્લાના પીપલપાડા ગામના અને હાલ વલસાડના નંદાવલા ખાતે રહેતા જઈદ પવાર વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેમણે વલસાડ, નવસારી જિલ્લામાં પણ પત્રકાર તરીકે કામગીરી કરી હતી અને હાલમાં ડાંગ જિલ્લામાં સક્રિય પત્રકાર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. પત્રકારત્વ ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય રહેલા જઈદ પવારના અચાનક નિધનના સમાચારથી તેમના મિત્રો, પરિચિતો, પત્રકાર મિત્રો અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તા. 6 નવેમ્બરના રોજ જઈદ પવાર પોતાના મોટાભાઈ એવા દિવ્ય ભાસ્કરના પત્રકાર સોમનાથભાઈ પવાર સાથે ડાંગથી અલગ અલગ કારમાં વલસાડ આવવા નીકળ્યા હતા. બંને ભાઈઓ વલસાડ તરફ આવી રહ્યા હતા. દરમિયાન મોટી સરોણ મહાદેવ હોટલ સામે NH-48 પર મોટી સરોણના કટ પાસે રસ્તા ઉપર અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી જઈદ પવારને અડફેટે લીધા હતા.
અકસમાત એટલો ગંભીર હતો કે જઈદ પવારને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને પગમાં પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
જઈદ પવારના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. પરિવારના મોભી સમાન વ્યક્તિનું અચાનક અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા એક સાથી પત્રકારને ગુમાવતાં વલસાડ અને ડાંગ સહિત સમગ્ર પત્રકાર જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. અનેક પત્રકાર મિત્રો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
જઈદ પવારની અંતિમવિધિ તેમના ડાંગ જિલ્લાના વતન પીપલપાડા ખાતે કરવામાં આવશે.
પત્રકારત્વ ક્ષેત્રે વર્ષો સુધી પોતાની કલમથી લોકોના પ્રશ્નો અને જનતાના અવાજને વાચા આપનાર એક સાથી પત્રકારની વિદાયથી પત્રકાર જગતે એક સક્રિય સાથી ગુમાવ્યો છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

અકસ્મત બાદ જઈદ પવારની હ્યુન્ડાઇ એક્સ્ટર કાર ક્યાં ગુમ થઈ?
જઈદ પવાર ડાંગથી પોતાની હ્યુન્ડાઇ એક્સ્ટર કાર લઈને વલસાડ આવવા નીકળ્યા હતા. પરંતુ અકસ્માત થયો ત્યારે તેઓ પગપાળા રોડ ઓળંગી રહ્યા હતા અને ઘટના સ્થળની આજુબાજુ તેમની કાર ન હતી. પરંતુ અકસ્માત બાદ તેમની કાર અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. અકસ્માતમાં તેમનું કરુણ મોત થયું હોવા છતાં તેમની કાર હજુ સુધી મળી આવી નથી અને કાર હાલમાં ક્યાં છે તે અંગે પરિવારજનો સહિત કોઈને જાણ નથી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!