ગુજરાત એલર્ટ | વલસાડ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપી મનપા દ્વારા વાપી ટાઉનના હનુમાન મંદિર વિસ્તાર અને ખડકલાના હનુમાન મંદિરના વિસ્તારમાં શ્રમદાન (સફાઈ) કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ આપણને અહિંસક રીતે આઝાદી અપાવી હતી, તેઓ સ્વચ્છતા અને શિસ્તતાના આગ્રહી હતા. તેઓ કહેતા કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પ્રભુનો વાસ ત્યાં થાય છે કે, જ્યાં સ્વચ્છતા હોય. તેમની આ માન્યતાને આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધારી લાલ કિલ્લા પરથી સમગ્ર દેશને આહવાન કર્યુ કે, મારે પૂ. ગાંધી બાપુને સ્વચ્છ ભારત ભેટ આપવુ છે.

મોદીજીના સુશાસન કાળના ૨૫ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં મનપાના કોર્પોરેટરો, હોદેદ્દારો અને સફાઈ કામદારોએ જોડાઈને સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું તે બિરદાવવાને લાયક છે. સૌ સાથે મળીને સફાઈ અભિયાનમાં જોડાશુ તો આગામી એક માસમાં દિવાળી સુધીમાં આપણુ વાપી એકદમ સ્વચ્છ અને સુંદર વાપી બની જશે એવો વિશ્વાસ છે.

આ સફાઈ અભિયાનમાં વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલ, લાઇટ એન્ડ ફાયર વિભાગ ચેરમેન રણજીત પટેલ, સામાજિક અને કલ્યાણ સમિતિના ચેરમેન ટીના હળપતિ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન મિત્તલ શાહ, કાઉન્સિલર બિમલ શાહ, કાઉન્સિલર વિપુલચંદ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર એન એફ ચૌધરી (IAS), નાયબ મ્યુનિસિપલ કમિશ્નર વિશાલ પટેલ તથા કિરણ રણા, સિટી ઈજનેર જતીન પટેલ અને આહવા ડાંગના સંગઠનના પ્રભારી શિલ્પેશ દેસાઈ સહિતના અધિકારી અને પદાધિકારીઓએ હાજર રહી સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
