કપરાડાના છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધિકારીઓને સૂચના: પેંઢારદેવી ખાતે ૩૩.૦૫ એમ.એલ.ડી. અસ્ટોલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
૭૨ કલાકના વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પ્રવાસના બીજા દિવસે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પેંઢારદેવી ખાતે અસ્ટોલ યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. અહીં ઉપસ્થિત ગ્રામજનોની પાણીને લગતી સમસ્યા પણ સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના પણ આપી હતી.

મંત્રી ઇશ્વરસિંહ પટેલે પેંઢારદેવી ગામમાં સ્થિત ૩૩.૦૫ એમ.એલ.ડી.ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ આ પ્લાન્ટમાં રોજ કેટલા લીટર પાણીનું શુદ્ધિકરણ થાય છે અને કેટલા ગામના લોકોનો તેનો લાભ મળી રહ્યો છે તેની માહિતી મેળવી હતી.

મંત્રીએ પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના અધિકારીઓને આ યોજના અંતર્ગત આવતા છેવાડાના ગામ સુધી પાણી પહોંચવું જ જોઈએ એવી સૂચના આપી હતી. ગામ સુધી પાણી પહોંચાડવામાં આવે તે દરમિયાન રસ્તામાં ક્યાંક પાણીની લાઈન અને સંપમાં લીકેજ હોય કે, લાઈન તૂટેલી હોય તો તેની ચકાસણી કરી ૧૫ દિવસમાં રિપોર્ટ આપવા અધિકારીઓને સૂચના આપી હતી.

મંત્રી ઇશ્વરસિંહ પટેલે વાસ્મોના અધિકારી પાસે કેટલી લાઈન નવી નંખાઈ અને તેના દ્વારા રોજના કેટલા લીટર પાણીની સપ્લાય થાય તેની માહિતી મેળવી હતી.

અહીં ઉપસ્થિત અસ્ટોલ યોજનામાં સમાવિષ્ટ પેંઢારદેવી ગામ અને તેની આસપાસ આવેલા ગામના લોકોની પાણીને લગતી સમસ્યા પણ મંત્રી એ સાંભળી હતી અને ઉપસ્થિત અધિકારીઓને ગામે ગામ જઇ ગામના સરપંચો અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે મળી પાણીની સમસ્યા ઉકેલવા સૂચના આપી હતી.

આ પ્રસંગે કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય ભગવાનભાઈ બાતરી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના સુપ્રીટેન્ડન્ટ એન્જિનિયર એ.એમ.ભુવેલા, અસ્ટોલ યોજનાના એક્ઝીક્યુટીવ એન્જિનિયર મુકેશ પટેલ, વલસાડ જિલ્લા પાણી પુરવઠા ખાતાના એક્ઝીક્યુટીવ એન્જિનિયર એચ.બી. કટુડીયા, વલસાડ જિલ્લા વાસ્મોના યુનિટ મેનેજર એચ.એમ.પટેલ, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ અને કપરાડા વિધાનસભા બેઠકના સંગઠનના પ્રભારી સુરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના મહામંત્રી વિપુલભાઈ ભોયા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!