ખેરગામ સહિત નવસારી જિલ્લામાં બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા: બાળલગ્ન નાબૂદી માટે પ્રયાસ

ગુજરાત એલર્ટ | ખેરગામ
વિશ્વ બાળલગ્ન મુક્ત ભારત દિવસ નિમિત્તે ખેરગામ સહિત નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બાળલગ્ન જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રયાસ JAC સોસાયટી દ્વારા Just Rights for Children ના સહયોગથી આયોજિત 100 દિવસીય બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેરગામ, ચીખલી, ગણદેવી અને જલાલપોર તાલુકાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ અભિયાનના ભાગરૂપે ખેરગામ ઉપરાંત જલાલપોર તાલુકાના વેસ્મા ગામના કુંડળ ફળિયા ખાતે આવેલી આંગણવાડીમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ICDS વિભાગના CDPOશ્રી, આંગણવાડી સુપરવાઇઝર બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં કેન્ડલ માર્ચ, મશાલ રેલી, બાળલગ્ન મુક્ત ભારતની પ્રતિજ્ઞા અને ગામમાં જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં અંદાજે 38 જેટલી આંગણવાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળલગ્નની સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી અસરો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. બાળલગ્ન પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ તેમજ બાળલગ્ન અટકાવવામાં પરિવાર, સમાજ અને સ્થાનિક તંત્રની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ 100 દિવસીય અભિયાન અંતર્ગત શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી મંત્રીઓ, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોને સાથે રાખીને વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
બાળલગ્ન મુક્ત સમાજનું નિર્માણ કરવું, દીકરીઓના શિક્ષણ અને અધિકારોનું રક્ષણ કરવું તથા દરેક બાળકને સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય આપવું એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. બાળલગ્ન જેવી કુપ્રથાને અટકાવવા માટે સમાજના દરેક વર્ગે આગળ આવી સામૂહિક જવાબદારી નિભાવવી જરૂરી હોવાનો સંદેશ આ કાર્યક્રમો દ્વારા આપવામાં આવી રહ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!