રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કપરાડાના પર્યટન સ્થળ પાંડવકુંડ અને કોલવેરા હિલ સ્ટેશનની મુલાકાત લીધી: પાંડવકુંડનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ જળવાઈ રહે તે રીતે વિકાસ કરવા સૂચના આપી

ગુજરાત એલર્ટ | વલસાડ
૭૨ કલાકના વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રવાસના બીજા દિવસે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે રોહિયાળ તલાટ ગામમાં આવેલા જાણીતા પૌરાણિક સ્થળ પાંડવકુંડ તેમજ કોલવેરા હિલ સ્ટેશનની મુલાકાત લઈ પ્રવાસન વિકાસની શક્યતાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાંડવકુંડની મુલાકાત દરમિયાન આ પૌરાણિક સ્થળની ઉત્પત્તિ અને તેના ધાર્મિક મહત્ત્વ અંગે ગામના સરપંચ અર્જુન નિકુલિયા તથા માજી સરપંચ મુકેશ ગાવીત પાસેથી રસપ્રદ માહિતી મેળવી હતી. તેમણે પાંડવકુંડનો વધુ વિકાસ થાય અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તો સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.

સાથે જ સ્થાનિકોને સિંચાઈ અને પાણીની સુવિધા મળી રહે તે બાબતને પ્રાથમિકતા આપીને પાંડવકુંડના મૂળભૂત કુદરતી સ્વરૂપ અને ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખીને વિકાસકાર્યો હાથ ધરવા સૂચના આપી હતી.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાંડવકુંડની મુલાકાત બાદ નજીકમાં આવેલા કોલવેરા હિલ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અહીં ઘાટ ઉપર જવા માટેના રસ્તાને પહોળો કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રવાસન સ્થળ તરીકે કોલવેરાનો વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા ટેબલ પોઇન્ટ અને સેલ્ફી પોઇન્ટની પણ મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

કોલવેરા હિલ સ્ટેશનની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણવા આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળની ફરતે જરૂરી જગ્યાએ રેલિંગ લગાવવા માટે પણ મંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ સાથે આશ્રમશાળા ચાવશાળાની મુલાકાત લઈ બાળકો સાથે આત્મીય સંવાદ કરી સાદગીસભર સાત્વિક ભોજન માણ્યું હતું. કપરાડાના પ્રવાસ દરમિયાન મંત્રી ઇશ્વરસિંહે રોહિયાળ તલાટ અને માતુનીયા ગામના વિયર તેમજ મેણધા ગામના ચેકડેમની મુલાકાત લીધી હતી. આ વિયર અને ચેકડેમની લંબાઈ, ઉંચાઈ અને પાણી સંગ્રહ શક્તિની મંત્રીએ વિગતવાર માહિતી મેળવી તેના આધારિત આસપાસના કેટલા ગામના ખેડૂતો ક્યાં ક્યાં પ્રકારની ખેતી કરી રહ્યા છે તેની માહિતી મેળવી હતી.

વલસાડ જિલ્લા સંગઠનના માજી ઉપપ્રમુખ સ્વ. દેવજીભાઈ સોન્યાભાઈ ગાવઢાનું તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયાની જાણ થતાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કરજૂન ગામના ખેરમાળ ફળિયા ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી સ્વ. દેવજીભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે તેમણે શોકાતુર પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં પરિવારને હિંમત તથા સાંત્વના આપી તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

આ મુલાકાત દરમિયાન કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ ગાવઢા, જિલ્લા પંચાયત સભ્ય ભગવાનભાઈ બાતરી, વલસાડ દમણગંગા યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર પી.જી.વસાવા, દમણગંગા યોજના વિભાગ ૧ ના કાર્યપાલક ઈજનેર અને મધુબન ડેમના ઇન્ચાર્જ પી.સી.પટેલ, કપરાડા તાલુકા સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ કોંતી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!