કપરાડા સીએચસીમાં જોડીયા બાળકમાંથી એકનો જન્મ થયો, બીજાનો જન્મ ૧૦૮ એ રસ્તામાં કરાવ્યો: કપરાડા સીએચસીથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવતી વેળા રસ્તામાં જ પ્રસુતિ કરાવવી પડી: કટોકટી ભરી સ્થિતિમાં ૧૦૮ના સ્ટાફે માતા અને બાળકનો જીવ બચાવી સરાહનીય કાર્ય કર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં રૂઈઘર ગામમાં રહેતી સગર્ભા માતાને પ્રસુતિ માટે કપરાડા સીએચસીમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતા રસ્તામાં અસહ્ય પ્રસવ પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં રૂઈઘર ગામમાં રહેતી મહિલા ત્રીજી વાર સગર્ભા થઈ હતી. તેને ગર્ભમાં બે જોડિયા બાળકો હતા જેમાંથી એક બાળકનો જન્મ સીએચસીમાં થઈ ગયો હતો પરંતુ બીજુ બાળક બહાર ન આવતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવુ પડે તેમ હતું. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરતા તાત્કાલિક આવી પહોંચી સગર્ભાની કટોકટીભરી હાલતમાં કપરાડા સીએચસીથી વલસાડ સિવિલમાં લાવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રસવ પીડા વધતા ડિલિવરી કરાવવી પડે તેમ હતી. ૧૦૮ના ઈએમટી ધ્રુવી લાડ અને પાયલોટ અનિલભાઈ હિહોર એ રસ્તાની બાજુમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી ડિલિવરી કરાવી હતી. જેમાં બાળક ગર્ભાશયમાં ઊલટી સ્થિતિમાં હતું અને બાળકનું વજન પણ ઓછું હોવાનું જણાયુ હતું. EMT ધ્રુવી લાડે (ERCP Emergency Response centre Physician) ડૉ. વંશ ની સલાહ મુજબ તમામ સારવાર આપી સલામત રીતે પ્રસ્તુતિ કરાવી હતી. જો કે બાળક જન્મ પછી મોડેથી રડ્યું હતુ. બાળક ગર્ભમાં જ મળ કરી ગયું હોવાથી બાળકને સક્શન કરી બીવીએમથી શ્વાસ આપી બાળકનો જીવ બચાવ્યો હતો. બાદમાં માતા અને બાળકને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતા અને બાળકનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!