BAPS ના મહંત સ્વામી મહારાજ 14થી 30 નવેમ્બર સુધી તિથલમાં બિરાજશે: 17 દિવસ સુધી વલસાડમાં આધ્યાત્મિક ઉત્સવનો માહોલ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પ્રસિદ્ધ તિથલ દરિયાકિનારે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 14 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિકતાનો અને ભક્તિભાવનો અનોખો માહોલ સર્જાવા જઈ રહ્યો છે.
બી.એ.પી.એસ. સંસ્થાના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ 17 દિવસ સુધી તિથલ ખાતે બિરાજમાન રહી હરિભક્તોને દર્શન અને આશીર્વાદનો લાભ આપશે.
આ સમગ્ર મહોત્સવને ‘સાગર કિનારે સદગુણ સાગર’ નામ આપવામાં આવ્યું છે. મહંત સ્વામી મહારાજના સાનિધ્યનો લાભ લેવા માટે વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો તિથલ પહોંચે તેવી શક્યતા છે. મહંત સ્વામી મહારાજના આગમનને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ-અલગ દિવસોને વિશેષ થીમ સાથે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 નવેમ્બરના રોજ સ્વાગત સભા સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. ત્યારબાદ 17થી 30 નવેમ્બર સુધી ગ્રામ્ય દિવસ, બાળ દિવસ, મહિલા દિવસ, YTK દિવસ, વિરાટ સભા, કાર્યકર દિવસ, યુવા દિવસ, શહેરી દિવસ, વિદ્યામંદિર દિવસ અને PS VTC દિવસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
24 નવેમ્બરના રોજ પૂર્ણિમાના પાવન અવસરે વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 30 નવેમ્બરના રોજ વિદાય કાર્યક્રમ સાથે મહોત્સવનું સમાપન થશે.
આયોજિત કાર્યક્રમ મુજબ સવારે 6:00થી 8:00 વાગ્યા સુધી પૂજા દર્શનનો લાભ મળશે, જ્યારે સાંજે 5:30થી 8:00 વાગ્યા સુધી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાનારા આ કાર્યક્રમોમાં હરિભક્તોને આધ્યાત્મિક સત્સંગ અને આશીર્વચનનો લાભ મળશે.
તિથલનો દરિયાકિનારો પહેલેથી જ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે મહંત સ્વામી મહારાજના 17 દિવસના રોકાણ દરમિયાન તિથલમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડવાની સંભાવના છે. હજારોની જનમેદની વચ્ચે સમગ્ર વલસાડ જિલ્લામાં ભક્તિમય વાતાવરણ સર્જાશે અને તિથલ આગામી દિવસોમાં આધ્યાત્મિક આસ્થાનું વિશેષ કેન્દ્ર બનશેવલસાડના હરિભક્તો માટે આ અવસર મહંત સ્વામી મહારાજનાં દર્શન, સત્સંગ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની એક વિશેષ તક બની રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!