ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ સ્વ-સહાય જૂથો (સખી મંડળો) ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સતત મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ધરમપુર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ‘ગ્રામ હાટ’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સખી મંડળની બહેનોને સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટે નવુ પ્લેટફોર્મ અને કાયમી વેચાણ કેન્દ્ર મળી રહ્યું છે.

બસ સ્ટેન્ડ પર મુસાફરોની મોટી અવરજવર રહેતી હોવાથી સખી મંડળની બહેનોને પોતાના ઉત્તમ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મોટું વ્યાપારી પ્લેટફોર્મ મળી ગયું છે. મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ જેવી કે પાપડ, અથાણાં, મસાલા, લોકેટ, હસ્તકળાની વસ્તુઓ અને પરંપરાગત વસ્ત્રોનું ગ્રાહકો દ્વારા સીધું ખરીદી થઈ રહી છે.

ધરમપુર ખાતે ગ્રામ હાટના શુભારંભ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન એસ. ચૌધરી, ડેપો મેનેજર ભુમિકાબેન પટેલ, ધરમપુર તાલુકા વિકાસ અધિકારી ધીરુભાઈ એમ. પટેલ, TLM વિપિન એમ. પટેલ, APM-T ચૈતાલીબેન, પ્રજ્ઞેશ્વરીબેન, જ્યોતિબેન તેમજ MIS આનંદ અળવી સહિતના વિશેષ મહેમાનો ઉપસ્થિત રહી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ દ્વારા નિર્મિત ચીજવસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચે તે હેતુસર રાજ્યના મહત્વના ૧૩૬ જેટલા એસ.ટી. બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ કરવામાં આવ્યા છે. જેથી ગ્રામીણ મહિલાઓની આવકમાં મોટો વધારો થઈ રહ્યો છે અને તેમને રોજગારીની નવી તકો મળી રહી છે. માત્ર ભૌતિક હાટ કે મેળા પૂરતા સીમિત ન રહેતા, સખી મંડળો પોતાના ઉત્પાદનો ઓનલાઈન વેચી શકે તે માટે સરકારે વિશેષ આર્થિક સહાય યોજના અમલમાં મૂકી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ કે અન્ય સરકારી પોર્ટલ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નોંધણી કરવા અને વેચાણ શરૂ કરવા માટે સખી મંડળોને જીવનકાળ દરમિયાન મહત્તમ ૫ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવક ઓછામાં ઓછી ૧ લાખ રૂપિયા કે તેથી વધુ કરવાનો છે. ગ્રામ હાટ અને વિવિધ બજારના આયોજનો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સીધો ફાળો આપી રહ્યા છે, જેના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં લાખો મહિલાઓ ‘લખપતિ દીદી’ બની ચૂકી છે.
